Mysamachar.in-જામનગર:
રાજ્યમાં દિનપ્રતિદિન લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં મોટાભાગે આસપાસમાં રહેતા અથવા તો સોશ્યલ મીડીયાના માધ્યમથી યુવતીઓનો સંપર્ક કરી વાતોમાં ભોળવી અને પોતાની જાળમાં ફસાવવામાં આવે છે, જામનગરમાં પણ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જો કે પરિવારજનોએ પોલીસને સમયસર જાણ કરતા આ મામલે પોલીસે વડોદરાથી સગીરા અને તેને ભગાડી જનાર શખ્સને ઝડપી પાડી ગુન્હો દાખલ કર્યો છે,
આ કિસ્સામાં પણ જામનગર શહેરમાં વસવાટ કરતી એક સગીરાને સોશ્યલ મીડિયા મારફતે ફ્રેન્ડ બનાવી તેને લલચાવી-ફોસલાવી ભગાડી જવાના લવ જેહાદના ચકચારી પ્રકરણમાં પોલીસે જામનગરથી સગીરાને લઇને ભાગેલા આસામના શખ્સને સગીરા સાથે બરોડા રેલવે સ્ટેશન ખાતેથી વડોદરા રેલ્વે પોલીસની મદદથી ઝડપી પાડી જામનગર ખાતે લાવવામાં આવ્યા હતા, શહેરમાં રહેતી એક સગીરા સોશ્યલ મીડિયાના સંપર્કથી આસામના જેહરૂલ ઈસ્માઈલ નામના શખ્સ સાથે પરિચયમાં આવી હતી અને તેની ફેસબુક ફ્રેન્ડ બન્યા બાદ બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો.
આસામના આ શખ્સે તેને વાતોમાં ફસાવીને પોતાની સાથે ભગાડી જવા પ્લાન બનાવ્યો હતો જે મુજબ તે જામનગર આવ્યો હતો અને વહેલી સવારે 5 વાગ્યે સગીરાને તેના ઘરેથી ભગાડી ગયો હતો.આ બાબતની જાણ તેના પિતાને થતા તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા સિટી-સીના પીઆઇ કે.એલ. ગાધે તથા સ્ટાફે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આસામનો આ શખ્સ બરોડા રેલવે સ્ટેશન પર હોવાની જાણ થતા બરોડા રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમણે તાત્કાલિક આસામના આ શખ્સને તથા સગીરાને પકડી પાડ્યા હતા.બન્નેને જામનગરના લાવ્યા બાદ સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી સીટી સી પોલીસે આ શખ્સ સામે ગુન્હો દાખલ કર્યો છે.જો કે આ કિસ્સો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ પર માતા પિતા અને ઘરના સભ્યોએ નજર રાખવા જેવો અને ચેતવણીરૂપ છે.