Mysamachar.in:દાહોદ,સુરત,સાબરકાંઠા
રાજ્યમાં પાછલા 24 કલાક દરમિયાન જુદા જુદા જીલ્લાઓમા લાંચ લેતા અલગ અલગ ત્રણ વિભાગના લાંચિયા બાબુઓ એસીબીની ઝપટે ચઢી ગયા છે, પ્રથમ ટ્રેપની વાત કરીએ તો દાહોદ જિલ્લાના લીમખેડામાં હોમગાર્ડને નોકરી પર હાજર કરવા ઉપરી અધિકારીએ લાંચ માંગી હતી. લીમખેડા તાલુકાના રહેવાસી અને લીમખેડા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડને તેમના જ યુનિટના ઇન્ચાર્જ હોમગાર્ડ કમાનડેન્ટ કલસિંગભાઈ પ્રતાપભાઈ પટેલ દ્વારા છેલ્લા બે મહિનાથી ફરજ પર હાજર ન કરી રહ્યા હતા.એ સંબંધે હોમગાર્ડ દ્વારા ઇન્ચાર્જ કમાન્ડન્ટને ફરજ પર હાજર કરવા વિનંતી કરી હતી. જે બાદ ઇન્ચાર્જ કમાન્ડન્ટ કલસિંહ પટેલે ફરજ પર હાજર કરવા માટે 10 હજાર રૂપિયાની લાંચણી માંગણી કરી હતી.હોમગાર્ડ દ્વારા આ અંગેની ફરિયાદ ગોધરા એસીબીને કરવામાં આવી હતી પંચમહાલ એસીબી દ્વારા છટકુ ગોઠવતા હોમગાર્ડ દ્વારા નક્કી થયેલા લાંચ પૈકી 5000 રૂપિયા લેવા કલસિંગભાઈ પટેલ નક્કી કર્યા મુજબ મારૂતિ નંદન ઓફસેટ અને ટેન્ટ હાઉસ દુકાનની બહાર આવ્યા હતા. જ્યાં હોમગાર્ડ દ્વારા લાંચની રકમ કલસિંહભાઈ પટેલને આપી હતી. જેને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.
જયારે બીજી ટ્રેપમાં સુરતના જહાંગીરપુરામાં ડેરીવાળા પાસેથી સુરત પાલિકાના રાંદેર વેસ્ટ ઝોનના લાંચીયા કલાર્ક નિલેશ હરેલાલ ગામીતએ ડેરીની દુકાનની આકારણી કરવા માટે રૂપિયાની માંગણી કરી હતી. છેલ્લા બે મહિનાથી ડેરીના માલિકની દુકાનની આકારણી કરવામાં લાંચીયો કલાર્ક જાણી જોઇને વિલંબ કરતો હતો.લાંચીયા કલાર્કને કારણે ડેરીના માલિકે પાલિકાની ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. પછી કલાર્ક નિલેશ ગામીતે ડેરીના માલિકને ઓફિસે બોલાવી વ્યવહાર કરવાની વાત કરી હતી. ડેરીનો માલિક વ્યવહાર કરવા માટે તૈયાર થતા કલાર્કએ ઓફિસમાં તેની પાસે 8 હજારની લાંચ માંગી હતી. એટલું જ નહિ ફોન પર કલાર્કએ લાંચની માંગણી કરી હતી.વારંવાર ધક્કા ખાઈને કંટાળી ગયેલા ડેરીવાળાએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે મંગળવારે બપોરે લાંચીયા કલાર્કને પકડવા માટે એસીબીના સ્ટાફ સાથે રાંદેર પાલનપુર પાટિયા ગણેશ મંદિરની સામે ભોલે પાન સેન્ટર પાસે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન નિલેશ ગામીત ઓફિસેથી ચાલુ ડ્યૂટીએ બાઇક પર 8 હજારની રકમ લેવા માટે પાનના ગલ્લા નજીક આવ્યો હતો. તે વેળા એસીબીના સ્ટાફે તેને રંગેહાથ પકડી પાડ્યો હતો.
જયારે ત્રીજી ટ્રેપમાં સાબરકાંઠા એસીબીએ તલોદના વાવડી ચાર રસ્તા નજીકથી આંત્રોલી દોલજીવાસ ગ્રામ પંચાયતના તલાટી ખેતીની જમીન એનએ કરવા રૂ. 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. જેને લઈ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અરજદારે તેના પિતાના નામની ખેતીલાયક જમીન એનએ કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગેમરભાઈ કરશનભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને એનએનું કામ ઓનલાઈન થતું હોય તમારે જો એનએનું કામ કરાવું હશે તો રૂ. 1 લાખ આપવા પડશે એવી લાંચની માગણી કરી હતી. જોકે અરજદારે તલાટી કમ મંત્રી ગેમરભાઈ કરશનભાઈ પટેલને જણાવ્યું હતું કે, મારી પાસે આટલી મોટી રકમની સગવડ નથી. જોકે રૂ. 50 હજારની રકમ આપવાની વાત કરતા તલાટી કમ મંત્રી ગેમરભાઈ સહમત થયા હતા. તે દરમિયાન અરજદારે સાબરકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ એસીબીએ તલોદના વાવડી ચાર રસ્તે છટકુ ગોઠવ્યું હતું. તે દરમિયાન લાંચની રકમ રૂ. 50 હજાર સ્વીકારતા તલાટી કમ મંત્રીને રંગે હાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.