Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં આવનાર 3 દિવસ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગરમીમાં અતિ વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હીટવેવ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે છોટા ઉદેપુર, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને આવનાર 2 દિવસ ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. જ્યારે બુધવારથી ત્રણ દિવસ સુધી સાબરકાંઠા, કચ્છ સહિતના વિસ્તારોમાં હીટ વેવની સ્થિતી બની શકે છે. આજની વાત કરીએ રાજ્યમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41.9 ડિગ્રી હતું. હવામાન વિભાગ અનુસાર, આવનાર 3 દિવસમાં અમદાવાદમાં તાપમાન 41.9 ડિગ્રીથી વધીને 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લોકડાઉન અને ગરમી વચ્ચે પણ બહાર જવાનું થાય તો કોટનના કપડાં પહેરવા જોઈએ. અને ગરમીમાં પાણી પણ વધુ પીવું જોઈએ જેના કારણે ડી હાઈડ્રેશન થી બચી શકાય.