Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત એક આધુનિક, સમૃદ્ધ અને ગ્લોબલ રાજય છે. વિદેશીઓની આવનજાવન આપણે ત્યાં સામાન્ય છે અને ટૂંકા ગાળા માટે આપણાં રાજ્યમાં હજારો વિદેશીઓ આવતાં હોય છે. જેમાં રાજકીય મહાનુભાવો, બિઝનેસમેન અને વિદેશી ડેલિગેટસનો સમાવેશ થતો હોય છે. વળી, આપણું રાજ્ય સદીઓથી દુનિયાભરમાં જાણીતું છે. આ પ્રકારની તમામ બાબતો ધ્યાનમાં રાખીએ તો કહી શકાય કે, આપણે અથવા તો કમ-સે-કમ આપણાં જનપ્રતિનિધિઓએ એક અનોખાં સ્ટેટ્સ સાથેની લાઈફ આ સ્ટેટમાં જિવવી આવશ્યક છે. ગુજરાત માટે હાઈ એન્ડ લાઇફ સ્ટાઇલ લકઝરી નથી, જરૂરી સ્ટેટ્સ છે. અસાંજો માભો…..આપણી વિશેષતા છે અને સ્વાભાવિક રીતે જ, આ વિશેષતાઓ હવે પાટનગર ગાંધીનગરમાં જોવા મળશે – ધારાસભ્યોનાં વૈભવી ફ્લેટ્સમાં !
પાટનગરમાં ધારાસભ્યોને બંગલાઓ તો હાલ ફાળવી દેવામાં આવ્યા જ છે પરંતુ સરકાર હવે તેઓ માટે આલિશાન અને અત્યાધુનિક ફ્લેટ્સ બનાવી રહી છે. આપણાં જનપ્રતિનિધિઓ શાંત ચિત્તે જિવી શકે, લોકોનાં વધુને વધુ કામો કુશળતાથી કરી શકે અને મહેમાનોને સારી રીતે ‘ સાચવી ‘ શકે, એ માટે ત્રણ બેડરૂમ, ઓફિસ, 50 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો બાથરૂમ, ત્રણ સ્પ્લિટ એસી(ઠંડા દિમાગથી માણસ વધુ વિચારી શકે) તથા મોટાં બે ટીવી(જેનાં ઉપયોગથી ધારાસભ્યો રાજય-દેશ અને દુનિયામાં બની રહેલી પ્રત્યેક નવાજૂનીથી માહિતગાર રહી, સતત અપડેટ રહી શકે) સાથેનાં આ ફ્લેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે.2024ની 30 નવેમ્બર સુધીમાં આ તમામ ફ્લેટ્સ તૈયાર કરી લેવામાં આવશે. ગત્ 28 ઓક્ટોબરે તમામ ટેન્ડર પણ ફાઈનલ થઈ ગયા છે. હાલમાં ધારાસભ્યોની સંખ્યા 182 છે પરંતુ નવા સીમાંકનને ધ્યાનમાં રાખી, પાટનગરમાં 216 ફ્લેટ્સ બની રહ્યા છે. આગામી સમયમાં જનપ્રતિનિધિઓની સંખ્યામાં 34 નો ઉમેરો થશે.
પાટનગરમાં 7 એકર જમીન પર 9-9 માળનાં કુલ 12 ટાવર બનશે. પ્રત્યેક ફલેટને 1,836 સ્ક્વેર ફૂટની ફ્લોર સ્પેસ તથા અલ્ટ્રામોર્ડન ફેસેલિટીઝ પ્રાપ્ત થશે. ટૂંકમાં, કાંઈ ઘટશે નહીં. ગુજરાત સરકારની આભને આંબતી પ્રતિષ્ઠાને અનુરૂપ આ ફ્લેટ્સમાં 144 સ્ક્વેર ફૂટમાં કિચન હશે, જ્યાં ઘણું રાંધી શકાશે, મનભાવન ખાઈ શકાશે. દરેક ફ્લેટ્સને એક વિશાળ ગેલેરી આપવામાં આવશે જ્યાં ઝૂલામાં બેસી જનપ્રતિનિધિઓ જનહિત સંદર્ભે ચિંતન મનન કરી શકશે. જનપ્રતિનિધિઓ અમુક સમયે લોકોનાં ભલા માટે વર્ક ફ્રોમ હોમ કરી શકે તે માટે ફ્લેટ્સમાં એટેચ્ડ ટોઇલેટ બ્લોક સાથેની ભવ્ય ઓફિસ બનાવવામાં આવશે. લોકકલ્યાણ માટે સતત દોડતાં રહેતાં જનપ્રતિનિધિઓ શારીરિક રીતે ચુસ્ત રહી શકે તે માટે આ સ્વપ્ન નગરીમાં જિમ અને સ્વિમિંગ પૂલ બનશે. જિમમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.કુલ રૂ.203 કરોડનાં ખર્ચે તૈયાર થઇ રહેલાં આ પ્રોજેક્ટનું કામ શ્રી જી કૃપા પ્રોજેક્ટ લિમિટેડ નામની કંપનીને સોંપવામાં આવ્યું છે. રાજ્યનાં લોકો જ્યારે પોતાના ધારાસભ્યને મળવા ગાંધીનગર જશે ત્યારે આ ફ્લેટ્સ નિહાળી શકશે, સુવિધાઓ માણી પણ શકશે.