Mysamachar.in-જામનગર:
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત્ સાતમી મે ના સવારે એક યુવતિએ પોલીસ ફરિયાદ નોંધાવેલી કે તેણી જેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે તે યુવકનું અપહરણ થયું છે અને આ કામમાં એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓ છે- એમ આ ફરિયાદમાં જણાવાયું હતું. ત્યારબાદ સારવાર દરમ્યાન આ યુવકનું મોત થતાં મામલો હત્યામાં પલટાયો. અત્રે ઉલ્લેખનિય છે કે, ફરિયાદના આગલા દિવસે, અપહરણ થયેલો આ યુવક ઢોરમાર મરાયેલી સ્થિતિમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

આ બનાવ અંગે વિક્રમ કેશુભાઈ કેશવાલાની પુત્રી ક્રિષ્ના કેશવાલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેણીએ ફરિયાદમાં આરોપીઓ તરીકે પોતાના પિતા વિક્રમ કેશુભાઈ કેશવાલા, ફુવા રામદે લાખાભાઈ બોખિરીયા, ફઈ નિરૂબેન રામદે તથા ફઈના દીકરા વિવેક કારાભાઈ બોખિરીયાના નામો આપ્યા હતાં અને એમ લખાવેલું કે આ આરોપીઓએ સાથે મળી, ફરિયાદી ક્રિષ્ના જેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી તે યુવક આશિષ રાણાભાઈ અસવારનું અપહરણ કરેલું અને લાકડીઓ વડે માર માર્યો હતો.

ત્યારબાદ આ યુવક બેભાન હાલતમાં કનસુમરા નજીકથી મળી આવ્યો હતો અને તેને જીજી હોસ્પિટલમાં 12 દિવસ સારવાર આપવામાં આવી. દરમ્યાન, આશિષ નામના આ યુવકનું મોત થતાં આ મામલામાં હત્યાની કલમ ઉમેરવામાં આવી. બનાવની તપાસ દરમ્યાન સી ડીવીઝન પોલીસ મથકના યશપાલસિંહ જાડેજા અને શિવભદ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે આ પ્રકરણના 3 આરોપીઓ શહેરના માધવબાગ વિસ્તારમાંથી ઝડપાઈ ગયા હોવાનું જાહેર થયું છે. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી લીધેલાં 3 આરોપીઓ વિક્રમ કેશુ કેશવાલા, રામદે લાખા બોખિરીયા અને વિવેક કારા બોખિરીયા અન્ડર બ્રીજ નજીકના રાધેશ્યામ એપાર્ટમેન્ટના રહેવાસી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ આરોપીઓ ઉપરાંત નિરૂબેન રામદે બોખિરીયા તો બનાવ જાહેર થયો ત્યારે જ ઝડપાઈ ગઈ હતી. આમ, અત્યાર સુધીમાં આ ગુનાના ચારેય આરોપીઓ ઝડપાઈ ગયા છે.
