Mysamachar.in-જામનગર;
સરકારે કરદાતાઓને ઓછામાં ઓછી તકલીફો પડે, તમામ ધંધાકીય વ્યવહારોમાં પારદર્શકતા આવે અને ધંધાકીય તથા નાણાંકીય વ્યવહારોની ઝડપથી કરદાતાઓના હિસાબોમાં નોંધ થાય તે માટે GST હેઠળના વ્યવહારોને ઓનલાઈન કર્યા છે અને એ રીતે ડિજિટલ ઈન્ડિયાને પણ વેગ આપવામાં આવી રહ્યો છે, પરંતુ જામનગરના કરદાતાઓ સરકારની આ ઉદાત ભાવના છતાં હાલાકીઓ વેઠવા મજબૂર છે કારણ કે, જામનગર કચેરી સરકારના નિયમોનો પણ ભંગ કરી, મનમાની આચરી રહી હોવાની વિગતો અત્યંત આધારભૂત સૂત્ર દ્વારા જાણવા મળી રહી છે.
સરકાર વેપારીઓ અને ઉદ્યોગકારોને અધિકારીરાજથી છૂટકારો અપાવવા ચાહે છે, કારણ કે સરકારને અધિકારીઓની કાર્યપ્રણાલીઓની ખબર હોય છે. સરકારને એ પણ ખબર હોય છે કે, સ્થાનિક તંત્રો કરદાતાઓને ચૂસી લેતાં હોય છે, કરદાતાઓનું આર્થિક શોષણ કરતાં હોય છે, જેને પરિણામે કાચા માલની ઉંચી કિંમતો, ગળાકાપ સ્પર્ધાઓ અને વૈશ્વિક મંદી જેવા કારણોમાં ભીંસાતો વેપાર ઉદ્યોગ, અધિકારીઓના રાજ અને જોહુકમીથી તોબા પોકારી જતો હોય છે. આથી સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે મોટાભાગની વ્યવસાય સંબંધિત બાબતો ઓનલાઈન કરી નાંખી વેપારીઓ અને ઉદ્યોગકારોને ઝંઝટોમાંથી બચાવવા ઘણાં પ્રયાસ કર્યા છે અને આ પ્રકારના સરકારના પ્રયાસ આજે પણ ચાલુ છે, આમ છતાં કરદાતાઓનું લોહી ચાખી ગયેલાં અધિકારીઓ યેનકેન પ્રકારે કરદાતાઓને જુદાં-જુદાં કારણોસર ઓનલાઈન પ્લેટફોર્મ હોવા છતાં ઓફિસે બોલાવી ધમકાવતા અને દબડાવતાં હોય છે
જામનગરની GST કચેરીમાં પણ આ પ્રકારની પ્રવૃતિઓ ચાલી રહી હોવાનું આધારભૂત સૂત્ર જણાવે છે. જામનગરના બ્રાસ પાર્ટસ સહિતના વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા વિશ્વસનીય સૂત્રના જણાવ્યા અનુસાર, GST તંત્ર દ્વારા કોઈ પણ વેપારી કે ઉદ્યોગકારના ધંધાકીય હિસાબોની ચકાસણીઓ અને આકારણીઓ કર્યા બાદ તંત્ર દ્વારા સંબંધિત વેપારીઓ કે ઉદ્યોગકારોને ટેક્સ ડિમાંડ મોકલવામાં આવતી હોય છે. ઘણાં બધાં કિસ્સાઓ એવા હોય છે જેમાં વેપારીઓ કે ઉદ્યોગકારોએ સરકારમાં જે ટેક્સ ભરવાનો થતો હોય તે ટેક્સ ભરી જ દીધો હોય છે, આમ છતાં તંત્ર દ્વારા આવા કિસ્સાઓમાં પણ ટેક્સની ઉઘરાણી કાઢવામાં આવતી હોય છે, તંત્ર દ્વારા આવા વેપારીઓ અને ઉદ્યોગકારોને ટેક્સ ભરવા નોટિસ આપવામાં આવતી હોય છે.
પરંતુ સંબંધિત કરદાતાના હિસાબ અનુસાર તેમણે નિયમ મુજબ એ ટેક્સ ભરવાનો થતો હોતો નથી, આથી આ કરદાતાના મતે તંત્રની આ નોટિસ એક પ્રકારની હેરાનગતિ હોય છે, વેપારીઓ અને ઉદ્યોગકારો જાણતાં હોય છે કે, આ પ્રકારની નોટિસ તંત્ર દ્વારા શા માટે મોકલવામાં આવતી હોય છે, આ રીતે વેપારીઓ અને ઉદ્યોગકારોને અથવા તેઓના કાયદાકીય સલાહકારોને શા માટે કચેરીએ બોલાવવામાં આવતાં હોય છે, આથી ધંધાની ઝંઝટથી થાકેલાં આવા વેપારીઓ અને ઉદ્યોગકારો તંત્રની આ પ્રકારની નોટિસને પોતાના કાયદાકીય સલાહકારો મારફતે અપીલના રૂપમાં કાયદાકીય પડકાર આપવાનું પસંદ કરતાં હોય છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગરના હજારો કરદાતાઓ એટલે કે વેપારીઓ અને ઉદ્યોગકારોએ તંત્રની આવી નોટિસોને અપીલોમાં પડકારી છે. અચરજ અને દુ:ખની એક વાત એ પણ છે કે, રાજકોટ GST કચેરીમાં આવી અપીલોની કાર્યવાહીઓ ઝડપથી ચાલતી નથી. અપીલના અસંખ્ય કેસ છે. રાજકોટ કચેરીમાં આ અપીલો ચલાવવા સરકારે પર્યાપ્ત પ્રમાણમાં સ્ટાફ પણ આપ્યો નથી, પરિણામે હજારો કરદાતાઓ પર નાણાંકીય ચૂકવણીની કાયમી તલવાર લટકતી રહે છે. આ ઉપરાંત આ હજારો કરદાતાઓના ધંધાના લાખો રૂપિયા સરકારમાં એટલાં માટે બ્લોક થઈ જતાં હોય છે કેમ કે, અપીલમાં જતી વખતે કરદાતાઓએ ટેક્સ ડિમાંડ( સરકારી માંગણા)ની અમુક ટકા રકમ સરકારમાં એડવાન્સ જમા કરાવવી પડતી હોય છે, તો જ અપીલ દાખલ થઈ શકે. આમ વેપારીઓ અને ઉદ્યોગકારોએ આવી નોટિસોને કારણે માનસિક ત્રાસ, ધંધાકીય નુકસાન અને આર્થિક મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે.
કરદાતાઓની તકલીફો આટલી જ નથી, કરદાતાઓને ધમકીઓ પણ આપવામાં આવે છે. ડરાવવામાં પણ આવે છે. તંત્રની ટેક્સ ડિમાંડ સામે 90 દિવસમાં સંબંધિત વેપારી કે ઉદ્યોગકાર અપીલમાં જાય છે ત્યારે, આ અપીલ કાર્યવાહીઓ સંપૂર્ણ ઓનલાઈન પ્લેટફોર્મ પર હોય છે. અધિકારીઓ આ બધી જ માહિતીઓ અને વિગતો ઓનલાઈન ચકાસી પણ શકે છે. આમ છતાં તંત્ર કરદાતાઓને તેઓના બેંક એકાઉન્ટ એટેચ કરવાની ધમકીઓ આપી, કરદાતાઓને એમ કહે છે કે, તમોએ અમારી ટેક્સ ડિમાંડ સામે જે અપીલ દાખલ કરી છે તેની અમોને એટલે કે તંત્રને ઓફલાઈન પણ જાણ કરો. જ્યારે સમગ્ર કાર્યવાહીઓ ઓનલાઈન કરવામાં આવે છે ત્યારે તંત્રએ આ રીતે ઓફલાઈન જાણકારીઓ માટેનો આગ્રહ શા માટે રાખવો જોઈએ ? વેપારીઓ અને ઉદ્યોગકારોને આ રીતે નિયમ ઉપરવટ જઈ હેરાનગતિઓ કરવા પાછળ તંત્રનો આશય શો હોય છે ? સૂત્ર કહે છે: તંત્રનો આશય શુદ્ધ અને કાયદેસરનો હોતો નથી.