Mysamachar.in:જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં ફાયર પ્રિવેન્શન સિસ્ટમ મુદ્દે કેવું પોપાબાઈનું રાજ ચાલે છે એ ગંભીર અને સંવેદનશીલ તથા ચિંતાપ્રેરક વરવી હકીકતો, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને પરિણામે લોકો સમક્ષ ઉઘાડી પડી ગઈ છે. સરકાર હજારો ઉદ્યોગોના ફાયર મુદ્દામાં ઉંઘી રહેલી ઝડપાઈ ગઈ છે. જાગવાનો અભિનય તથા દેખાડો, રાજકોટ અગ્નિકાંડ પછી થયો પરંતુ તો પણ હકીકત એ છે કે, હજારો ઉદ્યોગો મામલે સ્થિતિ આજે પણ ચિંતાપ્રેરક જ છે.
કહેવાય છે કે, ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે. આમ છતાં ઉદ્યોગ ક્ષેત્રમાં ફાયર NOC પદ્ધતિ જ નથી. ચાર ચાર વર્ષથી અંધેર છે. 25મી મે એ રાજકોટ અગ્નિકાંડ થયો પછી 30મી મે એ ઉદ્યોગવિભાગે ફાયર સંબંધે પરિપત્ર બહાર પાડ્યો પરંતુ આ પરિપત્ર ખુદ હાલની સ્થિતિએ બેમતલબ છે, એવી વિગતો બહાર આવી. હવે શું થશે ? અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઉદ્યોગમાં આગ લાગવાની ઘટનાઓ બને છે. સેંકડો કામદારોના મોત પણ થઈ રહ્યા છે. છતાં સરકારને ચિંતાઓ નથી !!

ઉદ્યોગમાં ઈન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ ફાયર NOC આપતો નથી. મહાનગરપાલિકાની ફાયર શાખા ફાયર NOC આપતી નથી. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ફાયર NOC આપતું નથી. 2021 થી 2024 સુધી આમ ચાલતું રહ્યું. 30-05-2024ના દિવસે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે કહ્યું કે, હવે અમે ફાયર NOC આપીશું. આ જાહેરાત પરિપત્ર દ્વારા થઈ. પણ હકીકત એ છે કે, સરકારના નોટિફિકેશન કે કાયદામાં આ જોગવાઈ નથી. નિગમ કેવી રીતે ફાયર NOC આપી શકે ?
જામનગર ઈન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ કહે છે, ઉદ્યોગમાં ફાયર NOC અમે સંભાળીએ છીએ. પરંતુ સૂત્ર કહે છે: સરકારમાં આ સંબંધે ચાર વર્ષથી કોઈ જોગવાઈ જ નથી. ચાર વર્ષથી હજારો ઉદ્યોગની આગ અધ્ધરતાલ છે. સિસ્ટમ ડેવલોપ જ કરવામાં આવી નથી. અગાઉનું નોટિફિકેશન વિવાદ થતાં સરકારે રદ્દ કરેલું. નવું નોટિફિકેશન આવ્યું જ નથી. જામનગર મહાનગરપાલિકા ઉદ્યોગમાં માત્ર આગ બૂઝાવવા જાય એટલું જ. ઉદ્યોગમાં ફાયર પ્રિવેન્શન સિસ્ટમ અંગે કાયદો મૌન છે. આ હાલતમાં ઉદ્યોગમાં આગની ઘટનાઓ રોકવા સંબંધે NOC બાબતે શું કરવું ? આ પ્રશ્નનો જવાબ સરકારે હજુ સુધી જાહેર ન કર્યો હોવાની વિગતો સાંપડી રહી છે, આગામી સમયમાં સરકારમાંથી આ સંબંધે કાંઈક સ્પષ્ટતાઓ આવશે, એવું હાલ સમજાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં એક અન્ય સંદર્ભમાં વડી અદાલત એમ પણ બોલી હતી કે, અમોને ફાયર સંબંધે તંત્ર કે સરકાર પર હવે કોઈ ભરોસો રહ્યો નથી. અત્રે એ પ્રશ્ન પૂછી શકાય કે, ઉદ્યોગ સેકટરમાં પણ ફાયર પ્રિવેન્શન સિસ્ટમ બાબતે લાલિયાવાડીઓ જ ચાલી રહી છે ?!
