Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકારે કાલે બુધવારે વિધાનસભાના ચોમાસુ સત્રની ત્રિદિવસીય કામગીરીઓના પ્રથમ દિવસે, અંધશ્રધ્ધા વિરોધી બિલ પસાર કરી દેતાં ટૂંક સમયમાં હવે આ કાયદો અમલમાં આવી જશે. આ કાયદામાં એવી જોગવાઈ રાખવામાં આવી છે કે, કોઈ વ્યક્તિ અંધશ્રધ્ધાનો ગેરલાભ લેવા મુદ્દે કસૂરવાર સાબિત થાય તો તેને 7 વર્ષ સુધીની સજા થઈ શકે અને રૂ. 50 હજાર સુધીનો દંડ થઇ શકે.
કાલે બુધવારે આ બિલ સરકાર વતી વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યું હતું. રાજ્યમાં અંધશ્રધ્ધાના નામે લોકોને હેરાન કરતાં, છેતરી લેતાં અને કાલા જાદુ કે અનિષ્ટનો ઉપયોગ કરનારા ઢોંગી અને ધુતારાઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા નવો કાયદો લાવવામાં આવ્યો છે. સરકારનું આ વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયું છે, જો કે રાજ્યમાં એકાદ બે વિસ્તારોમાં આવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માનવામાં આવતાં અથવા અન્ય પરંપરાગત ભુવાઓ દ્વારા વિરોધનો સૂર પણ પ્રગટ થઈ રહ્યો છે. સભાગૃહમાં આ વિધેયક રજૂ કરતાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માનવ બલિદાન કે બીજી અનિષ્ટ, અમાનુષી તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા સરકાર દ્વારા આ કાયદો લાવવામાં આવ્યો છે. આ વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરશે.
આ વિધેયકમાં અંધશ્રધ્ધા, કાલા જાદુ, માનવબલિ, અઘોરી પ્રથા, ભૂત-ડાકણ કે અન્ય દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને લોકો પર અત્યાચાર આચરવા, કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરવું, દિવ્ય શક્તિની કૃપા મેળવવા જીવન ભયમાં મૂકવું, લોકોના શરીરમાંથી ડાકણ કે શૈતાન કાઢવાની પ્રવૃતિઓ, મંત્ર કે તંત્ર દ્વારા ભય ઉભો કરવો, કૂતરૂં-સાપ કે વીંછી કરડવાના બનાવોમાં ઈજાઓ પહોંચાડવી, દોરા ધાગા બાંધવા, અલૌકિક શક્તિના માધ્યમથી માતૃત્વ અપાવવાની ખાતરી આપવી સહિતના 10 કૃત્યમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આ કાયદામાં એક જોગવાઈ એવી કરવામાં આવી છે કે, યોગ્ય દેખરેખ અને ઝડપી કાર્યવાહીઓ માટે આ પ્રક્રિયામાં વિજિલન્સ ઓફિસરની નિમણૂંક કરી શકાશે. આ અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર અથવા તેથી ઉંચી પોસ્ટના અધિકારી હશે. તેમની ફરજમાં જે કોઈ વ્યક્તિ બાધા કે અવરોધ ઉભો કરશે તેને 3 માસની કેદ અથવા રૂ. 5 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલ આવતા સુરેન્દ્રનગર પંથકમાંથી વિરોધનો સૂર શરૂ થયો છે. ભુવાઓએ બિલનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓ કહે છે: સરકારે આવો કાયદો ઘડવો જોઈએ નહીં. કાળા જાદુ- અંધશ્રધ્ધા વિરોધી બિલનો વિરોધ કરતાં ભુવાઓ કહે છે: આ લોકોની આસ્થાનો મામલો છે. ખોટી રીતે તાંત્રિક વિધિ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહીઓ થવી જોઈએ. ભુવાઓએ વિરોધમાં ‘ધૂણવા’ નું શરૂ કરતાં આગામી સમયમાં આ આખો મામલો ચર્ચાસ્પદ અને સંવેદનશીલ બની શકે છે.(symbolic image source:google)