Mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે ભ્રષ્ટ અને આચાર જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક્કની બહારનું અને જરૂરિયાત કરતા વધારાનું મેળવવાના શોર્ટકટ શોધે ત્યારે નૈતિકતા ગુમાવે છે અને ભ્રષ્ટાચારને પોષે છે. આપણે આ જે વાતાવરણ બન્યું છે તેને તોડવું પડશે અને મજબૂતીથી મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે. મુખ્યમંત્રી આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે ગાંધીનગરમાં રાજ્ય સરકારના લાંચરુશ્વત વિરોધી બ્યુરો દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ આપનારા ફરિયાદીને કોઈ હેરાનગતિ ન થાય તે માટે યોગ્ય સુરક્ષા, સહાયતા પૂરી પાડવા સાથે ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરી વિગતો, સૂચનો મેળવીને તેની રજૂઆતોના અનુસંધાને નિવારણ પણ લાવવામાં આવે છે. આ CARE પ્રોગ્રામ અન્વયે ૧૮૬૪ ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આવા ફરિયાદીઓ પાસેથી મળેલા ૧૭૫ સૂચનો અને ૭૨ જેટલી રજૂઆતો મેળવીને ૨૩ જેટલા કેસમાં નિરાકરણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CARE અંતર્ગત ફરિયાદ કરનારા નાગરિકોને તેમની જાગરૂક્તા અંગે પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં જ્યારે આવો મોટો બદલાવ આવ્યો છે ત્યારે કરપ્શનનો અવરોધ દૂર કરવાના સહિયારા પ્રયાસો પણ એટલા જ જરૂરી છે. ભૂપેન્દ્ર પટેલે એન્ટીકરપ્શન બ્યુરોના રાજ્યભરના અધિકારીઓ-કર્મચારીઓને પ્રેરણા આપતા ઉમેર્યું કે ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કરપ્શન સામેની લડાઈ લડવામાં પાછા ના પડશો. રાજ્ય સરકાર તમારી પડખે રહેશે.