Mysamachar.in: ગુજરાત
સમાજમાં ચિંતાપ્રેરક રીતે ગરીબી છે અને નાની રકમોના ધિરાણ મેળવવામાં જરૂરિયાતમંદ લોકોને મોટી હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિઓને કારણે ‘ગેરકાયદેસર’ ધિરાણનો ધંધો ખૂબ જ ફૂલીફાલી ગયો છે. જેમાં દાદાગીરી પણ વ્યાપક થઈ રહી છે. વ્યાજે ધિરાણ લેનારાઓ ઘણાં લોકો પઠાણી ઉઘરાણીને કારણે આપઘાત પણ કરતા હોય છે. બીજી તરફ આ સમગ્ર વિષયમાં પોલીસ સ્ટેશનોમાં અને પોલીસ સ્ટેશનોની બહાર અનેક પ્રકારના સેટિંગ ચાલતાં રહે છે. સરકાર ઈચ્છે છે કે, ગેરકાયદેસર ધિરાણ પ્રવૃતિઓ સંબંધે કાયદાને કડક બનાવવામાં આવે અને આ પ્રકારના ગુનાઓને હવે જુદી રીતે તથા કડક રીતે વર્ગીકૃત કરવામાં આવે. જો કે, સૂત્ર એવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે કે, સરકારની આ હિલચાલથી કાયદો કડક બનતાં સંબંધિત પોલીસ શાખાઓમાં આડી કમાણી એટલે કે ભ્રષ્ટાચાર વધશે.
ગેરકાયદેસર લોન વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આકરાં પગલાંઓ ભરવામાં આવશે. એવા અહેવાલ વહેતા થયા છે. આ દિશામાં કેન્દ્ર સરકારે રાજ્યોની સરકારો સાથે સંકલન કરી, અનિયંત્રિત ધિરાણને કોગ્નીઝેબલ ગુનો ગણવા અને બિનજામીનપાત્ર અપરાધ તરીકે વર્ગીકૃત કરવા એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેમાં દંડની સાથે 10 વર્ષ સુધીની જેલસજા પણ સામેલ હશે. આ બાબતે કેન્દ્રના નાણાં મંત્રાલયે 13મી ફેબ્રુઆરી સુધીમાં સંબંધિતો પાસેથી અભિપ્રાય અને સૂચનો મંગાવ્યા છે.
ડ્રાફ્ટ બિલ અનુસાર, આવી પ્રવૃત્તિઓને બિનનિયમિત ધિરાણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે. આ પ્રકારના ધિરાણ કોઈ પણ કાયદાકીય માળખા દ્વારા નિયંત્રિત નથી. આવા ધિરાણ રિઝર્વ બેન્ક દ્વારા પણ નિયંત્રિત હોતા નથી. અને કોઈ પણ નિયમનકારી સંસ્થાઓ હેઠળ ન આવતાં હોય એવા આ ધિરાણોને બિનનિયમિત ધિરાણ તરીકે જોવામાં આવશે. સૂચિત કાયદાના ઉલ્લંઘનને કોગ્નીઝેબલ ગુનો ગણી બિનજામીનપાત્ર ગુના તરીકે ગણવામાં આવશે અને એ માટે આકરા દંડ અને જેલસજાની જોગવાઈ કરવામાં આવશે.
ડિજિટલ સહિતની કોઈ પણ ગેરકાયદેસર ધિરાણ પ્રવૃતિઓ માટે 2 થી 7 વર્ષ સુધીની જેલસજા અને રૂ. 2 લાખથી માંડીને રૂ. 1 કરોડ સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત જે ધિરાણ કરનારાઓ લોન લેનારને હેરાન કરે અથવા લોન વસૂલવા ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કરે, તેમને 3 થી 10 વર્ષ સુધીની જેલસજા અને ભારે દંડ ભરવો પડી શકે છે. આ સમગ્ર પ્રક્રિયાઓનો અમલ તો જો કે પોલીસ જ કરાવશે, તેથી જાણકારો ભીતિ વ્યક્ત કરે છે કે, આથી ભ્રષ્ટાચાર વધી શકે છે.