Mysamachar.in:અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટમાં કાલે શુક્રવારે દુષ્કર્મનાં એક આરોપીને જામીનમુક્તિ આપવામાં આવી છે. આ અગાઉ સેશન્સ કોર્ટે તેને જામીનમુક્તિ આપવા ઈનકાર કર્યો હતો. આ આરોપી પૌરૂષત્વ ધરાવતો નથી, એવું ત્રણ વખત તબીબી ટેસ્ટમાં જોવા મળ્યું હતું. વાઈબ્રેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો પણ તપાસ કરનારાઓ આ આરોપીનું વીર્ય એકત્ર કરવામાં નિષ્ફળ રહ્યા હતાં. તબીબી તપાસ માટે વીર્ય મેળવવું ફરજિયાત હોવાથી આ પ્રકારના ટેસ્ટ ત્રણ વખત કરવામાં આવ્યા પરંતુ આ આરોપી પ્રજનન ક્ષમતા ધરાવતો નથી એવું જોવા મળ્યું.
આ આરોપી 55 વર્ષનો છે. તે અમદાવાદમાં ફ્રીલાન્સ ફોટોગ્રાફર છે. તેનું નામ પ્રશાંત ધાનક છે. તેનાં વિરુદ્ધ 27 વર્ષની એક મોડેલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ કહે છે : નવેમ્બર, 2022 માં અમદાવાદમાં વિજય ચાર રસ્તા નજીક એક હોટેલમાં તેણી પર આ શખ્સે રેપ કર્યો હતો. જો કે, આરોપીનાં વકીલે એમ કહ્યું કે, ફરિયાદી નાણાં પડાવવા આ ફરિયાદ આગળ ધરી રહી છે. તેણીનો હેતુ બર ન આવતાં તેણીએ ફરિયાદ નોંધાવી છે.
આ આરોપીએ અગાઉ સેશન્સ કોર્ટમાં જામીનઅરજી મૂકેલી પણ અદાલતે જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો. વડી અદાલતે જામીનમુક્તિ આપતી વખતે એમ પણ નોંધ્યું છે કે, આ કેસમાં ફરિયાદીનો હેતુ ગુપ્ત હોવાનું પ્રાથમિક તબક્કે જોવા મળી રહ્યું છે. આરોપી ક્યાંય નાસી જાય તેવું પણ દેખાઈ રહ્યું નથી.
આ કેસ છેલ્લાં ચારેક મહિનાથી અમદાવાદમાં ફેશનજગતમાં તથા ફોટોગ્રાફીની દુનિયામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. મોડેલ તથા આરોપી વચ્ચે અગાઉ સંબંધો સામાન્ય હોવાનું પણ આરોપીનાં વકીલે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેણીની માંગણી ન સંતોષાતા તેણીએ આ ફરિયાદ નોંધાવી છે.