Mysamachar.in:જામનગર
આજથી ચારેક દિવસ પહેલાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. આ ક્લિપ જામનગર જિલ્લાના ધ્રોલની હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું. આ ક્લિપમાં જે શખ્સ બેફામ ગાળો બોલે છે તે ધ્રોલ એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેકટર છે અને તેની સાથે વાત કરી રહેલી વ્યક્તિ કંડકટર છે, એવું આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી જાણવા મળ્યું હતું. ત્યારબાદ એસટીના અધિકારીઓએ આ ક્લિપની તપાસ કરી, આ અધિકારીને સસ્પેન્સનનો ઓર્ડર પકડાવી દીધો.
આ ક્લિપમાં બેફામ ગાળો બોલનાર ટ્રાફિક ઇન્સ્પેકટર અશોક જે. શર્મા છે. અને તેની સાથે વાત કરનાર કંડકટર હિંમત ઘાંચી છે. આ કંડકટરની તબિયત સારી ન હોવાથી અને દવા તથા સારવાર ચાલુ હોવાથી કંડકટરે આ ટ્રાફિક ઇન્સ્પેકટરને પોતાની ડ્યુટી અંગે વિનંતી કરવા, ડ્યૂટીમાં ફેરફાર કરી આપવા ઘણાં બધાં ફોન કર્યા હતા પરંતુ આ અધિકારીનો સંપર્ક કરી શકાયો ન હતો. બાદમાં જ્યારે સંપર્ક થયો ત્યારે આ અધિકારી જમવા બેઠાં હતાં અને તેથી કંડકટરનો ફોન આવતાં આ અધિકારી ‘રાજાપાઠ’ માં આવી ગયા અને ફોનમાં બેફામ ગાળો બોલવા માંડ્યા !
ફોનમાં એટલી બધી ગાળો બોલવામાં આવી છે કે, આ ક્લિપ સાંભળનાર પણ વિચારમાં પડી જાય. કોઈ માનસિક સ્વસ્થ વ્યક્તિ આટલી ગાળો ન બોલી શકે, એવું આ ક્લિપ સાંભળનાર સમજી શકે. આ આખો વિષય જામનગર એસટી નાં વિભાગીય નિયામક પાસે પહોંચતા તેઓએ આ અધિકારીને સસ્પેન્ડ કરી નાંખી, ખંભાળિયા ડેપોમાં બદલી કરી છે. ત્યાં હાજરી પૂરાવવા આદેશ કર્યો છે અને આદેશમાં જણાવ્યું છે કે, ખંભાળિયા અધિકારીની મંજૂરી વિના આ અધિકારી ખંભાળિયા છોડી શકશે નહીં.
આ સસ્પેન્ડ અધિકારીને હાલ પગાર પણ સાવ ઓછો મળશે. ખાતાકીય તપાસ તથા પગલાં વગેરે લેવાશે. અને, ખાતાકીય તપાસનો રિપોર્ટ વડી કચેરીએ મોકલવામાં આવશે. આ ઓડિયો ક્લિપે છેલ્લાં ચાર દિવસથી સમગ્ર જામનગર અને દ્વારકા જિલ્લામાં એસટી વર્તુળોમાં ચકચાર જગાવી છે. આ ક્લિપમાં વાક્યની વચ્ચે ગાળો નહીં પણ ગાળોની વચ્ચે વચ્ચે આ અધિકારી કંડકટર સાથે ટૂંકી વાતો કરી રહ્યા હોવાનું સંભળાઈ રહ્યું છે !