Mysamachar.in:અમદાવાદ:
સરકારોના ઘણાં વિભાગો એવા છે જેના અધિકારીઓ પોતાના સંતાનો સોનાના ઘૂઘરે રમી શકે એ માટે પોતાના કાર્યક્ષેત્ર હેઠળના ગુનેગારો, કસૂરવારો અથવા માફિયાઓ પ્રત્યે કૂણું વલણ અખત્યાર કરી, બદલામાં ગેરલાભો અંકે કરતાં હોય એવી સ્થિતિઓ મોટાભાગના વિભાગોમાં જોવા મળતી હોય છે, ખાસ કરીને બિલ્ડર્સ અને લેન્ડ ડેવલપર ધંધાર્થીઓ પ્રત્યે સરકાર અને કોર્પોરેશનના દરેક વિભાગને અદભુત પ્રેમ અને લાગણી હોય છે, ઈન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ પણ સરકારનો આવો ‘કુખ્યાત’ વિભાગ હોવાની વિગતો બહાર આવતાં હલચલ મચી છે.
આ વિભાગ એટલો બધો દયાહીન છે કે, સંબંધિત લોકોને બચાવી લેવા માટે, શ્રમિકોના મોતના મામલા જેવી કરૂણ બાબતમાં પણ ખેલ કરે છે, જેના બદલામાં આ વિભાગના અધિકારીઓને કંઈક તો મળતું જ હોય, એવી લોક માન્યતાઓ બળવતર બની છે. 2016 થી 2023 દરમિયાન રાજ્યમાં બાંધકામ સાઈટ્સ પર કુલ 775 શ્રમિકોના કરૂણ મોત થયા. આમ છતાં, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ કહે છે: આ મોતનો આંકડો 775 નથી, માત્ર 359 છે. અહીં પ્રશ્ન એ થાય કે, બાકીના 416 મોતનો હિસાબ કોણ આપશે ?! આ સેંકડો પરિવારોને મળવાપાત્ર વળતર કોની પાસેથી લેવાનું ? આ ગરીબ પરિવારોનું બેલી કોણ ?! આટલાં બધાં મોત ભૂલી જવાના !!!
આ ઉપરાંત અન્ય આંકડા પણ જાણવા જોગ છે. બાંધકામ સાઈટ્સ પર શ્રમિક કાયદાઓનું પાલન ન કરતા હોય એવા કુલ 5,666 ક્રિમિનલ કેસ અદાલતોમાં ઉપરોકત સાત વર્ષ દરમિયાન દાખલ થયા. જેમાં કુલ માત્ર 54 લાખ રૂપિયા જ વસૂલ થઈ શક્યા. બાંધકામ મજદૂર સંગઠન આ બાબતે રોષ વ્યક્ત કરતા કહે છે: એકદમ ઓછા દંડને કારણે બિલ્ડર્સ, લેન્ડ ડેવલપર અને કોન્ટ્રાક્ટરો મજૂરોની સલામતી બાબતે કાળજી લેતાં નથી. અધિકારીઓએ આ કસૂરવારો સાથેની મિલીભગત છોડી દેવી જોઈએ અને મજૂરોની કિંમતી જિંદગીઓ અંગે વિચારવું જોઈએ. આ મજૂરો તેમના પરિવારના મોભી હોય છે, મોભીના મોતથી પરિવાર નોધારા બનતા હોય છે.
આ ઉપરાંત એક મુદ્દો એ પણ જાણવા જેવો છે કે, બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ પાસે કરોડોનું ફંડ છે, આમ છતાં વૃદ્ધ અને નિવૃત શ્રમિકોને આ બોર્ડ કોઈ જ મદદ કરતું નથી. બાંધકામ સાઈટ્સ પર શ્રમિકોના મોતના પોલીસના આંકડા અને આ સરકારી વિભાગના આંકડા વચ્ચે આટલો મોટો તફાવત હોય, ખરેખર તો તેની પણ તપાસ થઈ શકે. નિવૃત શ્રમિકોને પેન્શન આપવાની વ્યવસ્થા છે પરંતુ પેન્શન આપવામાં આવતું નથી. બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ પાસે હાલ રૂ. 5,780 કરોડનું ફંડ ઉપયોગમાં લીધા વગર પડ્યું છે. તેમાંથી શ્રમિકોના કલ્યાણ માટે મદદ ન થઈ શકે ? એવો પ્રશ્ન પણ બાંધકામ સાઈટ્સ પરના મજદૂરો પૂછી રહ્યા છે.(પ્રતીકાત્મક તસ્વીર)