Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજયમાં આમ તો, મિલ્કત ખરીદનારના હિતોની રક્ષા માટે તથા બિલ્ડર્સ અને ગ્રાહક વચ્ચેના વિવાદો નિવારવા, ‘રેરા’ ઓથોરિટી છે જ, જેમાં આ મિલ્કતોનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત હોય છે, આમ છતાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં વિવિધ કારણોસર અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલતી રહેતી હોય છે.
તાજેતરમાં ‘રેરા’ એ એક સુઓમોટો એકશન હાથ પર લીધું છે. કોઈ પણ રહેણાંક અથવા કોમર્શિયલ મિલ્કતનું ‘રેરા’ માં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવ્યા વગર જ, ઘણાં બધાં બિલ્ડર્સ અને ડેવલપર આવી મિલ્કતો એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ નામના લેટરના આધારે સેલ કરી નાંખતા હોય છે. હવે, આ પ્રવૃતિઓ પર બ્રેક આવશે. RERA ઓથોરિટીએ આ મામલાઓમાં પોતાની જાતે જ કાર્યવાહીઓ શરૂ કરી છે. જેથી રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં દોડધામ શરૂ થઈ છે.
એક રિઅલ એસ્ટેટ વકીલના જણાવ્યા અનુસાર, ઘણાં બધાં બિલ્ડર્સ અને ડેવલપર મોટી જમીનો હપ્તે ખરીદી લેતાં હોય છે અને પછી જમીન માલિકોને નાણાં ચૂકવવા, પોતાના ‘રેરા’ પ્રોજેક્ટનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવ્યા વગર જ, દલાલોને ઘણી મિલ્કતો એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ લેટરના આધારે વેચી નાણાં મેળવી લેતાં હોય છે. આ પ્રકારની પ્રવૃતિઓ પર ‘રેરા’ બ્રેક લગાવી રહ્યું છે અને આગ્રહ રાખે છે કે, આવી મિલ્કતોનું પ્રથમ ફરજિયાત રજિસ્ટ્રેશન થાય. આ માટે સુઓમોટો કાર્યવાહીઓ શરૂ થઈ છે. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં આ પ્રવૃતિઓ મોટાં પ્રમાણમાં ચાલી રહી છે.
આ પ્રકારની પ્રવૃતિઓ ચાલવા પાછળ એક મહત્ત્વપૂર્ણ કારણ એ છે કે, કોઈ પણ પ્રોજેક્ટની રેરા નોંધણી પહેલાં આવી મિલ્કતોની ખરીદીમાં રોકાણ કરનારાઓને ભાવમાં મોટું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. જેમાં ઘણી વખત એવું પણ બને કે, બિલ્ડર્સ અથવા ડેવલપર જો વધુ સારી પ્રતિષ્ઠા ધરાવતાં ન હોય તો, તેવા કેસમાં વધુ ડિસ્કાઉન્ટની લાલચે ફસાતાં રોકાણકારને રોવાનો પણ વારો આવતો હોય છે. આવા ખરીદદારોના હિતોની રક્ષા માટે ઓથોરિટીએ આ મૂવ ચાલુ કર્યુ છે જેને કારણે ઘણાં બિલ્ડર્સ અને ડેવલપર ભારે નાણાંભીડ અનુભવી રહ્યા છે. ઘણાં કેસમાં તો બિલ્ડર્સ અને ડેવલપર આવી 70 ટકા મિલ્કત આ રીતે વેચી નાંખતા હોય છે. પછી મોટાં પ્રશ્ન ઉભાં થતાં હોય છે.
ઘણાં કિસ્સાઓ તો એવા પણ હોય છે કે, પ્રોજેક્ટસમાંથી નાણાં ઝડપથી રિકવર કરવા બિલ્ડર્સ અને ડેવલપર રેરા તો ઠીક, સ્થાનિક વિસ્તાર વિકાસ સત્તામંડળ અથવા મહાનગરપાલિકાની મંજૂરીઓ મેળવતાં અગાઉ મિલ્કતો વેચી નાંખતા હોય છે. આ પ્રકારના વેચાણ કાયદાની ભાષામાં લીગલ ન લેખાય. પણ તો પણ આમ થતું રહે છે.
રેરા તો ત્યાં સુધી કહે છે, જે પ્રોજેક્ટને રેરા પરમિશન ન મળી હોય તે પ્રોજેક્ટસની જાહેરાત કે માર્કેટિંગ પણ ન કરી શકાય. આ પ્રકારના મામલામાં પણ રેરા કાર્યવાહીઓ કરી રહ્યું છે. આ આખી રમત ભરોસાની છે. જો બિલ્ડર્સ અને ડેવલપર અથવા દલાલો ભરોસાપાત્ર ન હોય તો, રોકાણકાર આવા રોકાણ સંબંધે કેટલાંક પ્રકારના અવરોધો સહન કરવા મજબૂર બની શકે છે. ઘણી વખત તેને પોતાનું રોકાણ નફા સાથે પરત મેળવવામાં તકલીફ પણ પડી શકે છે. આ આખો વિષય હાલ રાજ્યમાં ચર્ચાઓમાં છે.