Mysamachar.in-જામનગર
આજના સોશ્યલ મીડીયાના સમયમાં યુવકો અને યુવતીઓએ થોડું ચેતવાની જરૂર છે, કારણ કે એકબીજા પર કરવામાં આવતો વિશ્વાસ ક્યારે વિશ્વાસઘાતમાં પરિણમે તે નક્કી નથી અને જો તેવું થાય તો બન્ને પક્ષે સરવાળે તો મુશ્કેલીનો જ સામનો કરવાનો વારો આવે છે, આજની યુવતીઓ માટે લાલબતી સમાન એક કિસ્સો જામનગર જીલ્લામાંથી સામે આવ્યો છે.
એક યુવતિએ જામનગરની સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ એમ જાહેર કર્યું કે, એક શખ્સે બે વર્ષ પહેલાં પોતાની સાથેના પ્રેમસંબંધ દરમિયાન તેણીને લગ્નની લાલચ આપી હતી. તે દરમિયાન, બંને અવારનવાર મળતાં. બંન્નેએ એકમેકની સહમતીથી શરીરસંબંધ પણ બાંધેલો. તે સમયે આ શખ્સે, અંગત પળોના ફોટોગ્રાફસ લઈ લીધાં. આ ફોટોગ્રાફસ વેબસાઈટ પર અપલોડ કરી દીધાં, તેની લિંક મોકલાવી વાયરલ કરી દીધાં.
યુવતીની આ મતલબની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એ.ઘાસુરાએ વિશેષ ટીમ બનાવી. ઉપરોકત અશ્લીલ ફોટાઓની માહિતી મંગાવી, ટેક્નિકલ એનાલિસિસ કર્યું. તેના પરથી આરોપીનું લોકેશન પડધરી, રાજકોટ મળતું હતું. પોલીસે વોચ ગોઠવી આ શખ્સને ઝડપી લીધો છે. આ આરોપીનું નામ ચિરાગ અશોકભાઈ મકવાણા છે. 23 વર્ષનો આ શખ્સ ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામનો છે. અને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસે પ્રજાને સંદેશો આપ્યો કે, અંગત પળોના ફોટોગ્રાફસ શેર કરવા નહીં.