Mysamachar.in-રાજકોટ:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની કરૂણતાએ સમગ્ર રાજ્યને હચમચાવી મૂક્યું છે. છેક ગાંધીનગર અને દિલ્હી સુધી આ ભયાનક દુર્ઘટનાનો ‘તાપ’ સૌ સંબંધિતો અનુભવી રહ્યા છે. રાજકોટથી માંડીને વાયા ગાંધીનગર, છેક દિલ્હી સુધી શાસનમાં સન્નાટો છવાઈ ગયો છે, શાસકપક્ષ શું થશે, શું થશે, એવા ભયથી આટલાં દિવસોથી હજુ થરથરી રહ્યો છે. કોઈ કશું બોલી શકવાની સ્થિતિમાં નથી (ખાનગીમાં જો કે, શાસકો પીડિતોને દબાવે છે! -એવી વાત હવે તો જાહેરમાં આવી ગઈ). ખુદ CM મૌન બની રહ્યા છે, એવું આ અગ્નિકાંડના લાચાર પીડિતો હવે જાહેરમાં કહી રહ્યા છે. આ જાહેર ‘સટાસટી’ માં જામનગર જિલ્લા ભાજપાના પ્રમુખનું નામ ચમકતા સનસનાટી સર્જાઈ ગઈ છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના મૃતકોના વારસદારો અને પરિવારજનો આટલાં લાંબા સમય બાદ પણ, ન્યાય ન થયો હોવાના મુદ્દે કાળઝાળ છે. સરકારની કાર્યવાહીઓથી તેઓને સંતોષ નથી. પીડિતોનો આક્રોશ ભભૂકી રહ્યો છે. થોડાં દિવસ અગાઉ રાજકોટ અગ્નિકાંડ સહિતના રાજ્યના વિવિધ કાંડના પીડિતોએ, રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત વખતે, તેમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને ગાંધીનગરમાં CM સાથે મુલાકાત કરાવવામાં આવી. મુલાકાતી પીડિતો કહે છે: અમોને મુખ્યમંત્રીએ કોઈ જ વિશેષ ખાતરીઓ આપી નથી, માત્ર ‘સાથે છીએ’ એટલું જ કહ્યું છે. અને, CM સાથેની આ મુલાકાત બાદ અમારે પીડિતોએ મીડિયા સમક્ષ જવું નહીં, એ બાબતે ભાજપા અમોને પોલીસનો ડર દેખાડે છે. અને, ભાજપાના જામનગર જિલ્લા પ્રમુખ ખુદ ‘ધમકાવે’ છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામના અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે રાજકોટ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરમાં, પોતાના મોબાઈલ નંબર જાહેર કરીને કહે છે કે, કોઈનામાં ત્રેવડ હોય તો મારાં આ નંબર પર મને ધમકાવો. તેઓએ આ વીડિયોમાં કહ્યું છે: CMએ પીડિતોને કોઈ જ વિશેષ ખાતરીઓ આપી નથી. તેઓ કશું બોલતાં નથી. ‘સાથે છીએ’ એટલું જ માત્ર બોલ્યા. રાજકોટ અગ્નિકાંડ સ્થળે મળી આવેલી શરાબની બોટલો સંબંધે દારૂબંધી અંગે અમે મુલાકાતમાં રજૂઆત કરી ત્યારે ખુદ ગૃહમંત્રી પણ કશું બોલી શક્યા નથી. અને, CM મુલાકાત બાદ અમારે પીડિતોએ મીડિયા કે કોંગ્રેસ સમક્ષ જવું નહીં એ મુદ્દે પીડિતોને ધમકાવવામાં આવે છે, મારી સાથેના એક વ્યક્તિને જામનગર ભાજપાના જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરાએ ખુદે ફોન કરીને ધમકાવેલા. અનિરુદ્ધસિંહે વધુમાં કહ્યું: નમાલાંઓ તમારામાં ત્રેવડ હોય તો મને ધમકાવો, આ રહ્યા મારાં ફોન નંબર…
આ ઉપરાંત અનિરુદ્ધસિંહ જાડેજાએ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ તપાસ સંબંધે પ્રેસ કોન્ફરન્સમાં એમ કહ્યું કે, રૂપિયા ખાઈ બધું ભીનું સંકેલી લેવાના પ્રયાસ થઈ રહ્યા છે, તમારાં છોકરા પર એક દીવાસળી મૂકી જૂઓ, અમે આ અગ્નિકાંડમાં અમારા છોકરાં ગુમાવી દીધાં છે….(અનિરુદ્ધસિંહના આ આક્રોશમાં તેઓની વેદના ભારોભાર દેખાઈ રહી છે, બીજી તરફ પોલીસની મદદથી શાસન પીડિતોને મીડિયાથી દૂર રહેવા દબાણ કરે છે, આ આક્ષેપ પણ અનિરુદ્ધસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો). આ પ્રેસ કોન્ફરન્સના વીડિયો ફૂટેજ વાયરલ થતાં જામનગર અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે.(તસ્વીર પત્રકાર પરીષદમાં આ મુદ્દાઓ જાહેર કરનારની છે)