Mysamachar.in-જામનગર:
જામ્યુકોની બેદરકારી અને અણઆવડતનો ઈતિહાસ બહુ મોટો છે, મહાગ્રંથો રચાઈ શકે તેટલી વિગતો અને માહિતીઓ અત્યાર સુધીમાં જાહેર થઈ ચૂકી છે. આજે અત્રે કોર્પોરેશનની બેદરકારી અને અણઆવડતનો વધુ એક નમૂનો જોઈએ.એક સાવ સામાન્ય હકીકત એ છે કે, કોઈ પણ વ્યક્તિ નવું વાહન અથવા વાહનો ખરીદે તે પહેલાં જ જૂના વાહન કે વાહનોનાં વેચાણ માટેની નફાકારક વ્યવસ્થા વિચારી જ લ્યે. પરંતુ જામનગર મહાનગરપાલિકા આવું કશું જ વિચારતી નથી, કેમ કે કોર્પોરેશનની તિજોરી કરદાતા નગરજનોની છે એટલે કર્તાહર્તાઓને બેદરકારી અને અણઆવડત પોસાય છે !
કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનાં ખર્ચે ભૂતકાળમાં જે સાત વાહનો ખરીદવામાં આવેલાં, એ વાહનો આજે કોઈ ભંગારના ભાવે પણ ખરીદવા તૈયાર નથી. કોર્પોરેશનના કર્તાહર્તાઓ આ વાહનો સાવ કચરો બની ગયાં ત્યાં સુધી ઘોરતા રહ્યા, નવાં વાહનો પ્રજાનાં લાખો રૂપિયાનાં ખર્ચે ફટાફટ વસાવી લીધાં પણ નવાં વાહનો આવવાને કારણે જે વાહનો કાઢી નાંખવાના હોય તે વાહનો અંગે લાંબા સમય સુધી કશું જ વિચાર્યું નહીં, બસ નવાં વાહનોમાં ફર્યા રાખ્યું. આજે સ્થિતિ એવી છે કે, કોર્પોરેશન એએમસી, ડીએમસી અને શિક્ષણ સમિતિના ચેરમેનની જૂની કાર સહિતનાં સાત વાહનો ભંગારમાં વેચવા તૈયાર છે પણ કોઈ આ વાહનો ખરીદવા રાજી નથી ! આ વાહનો જયારે નવાં ખરીદ્યા હશે ત્યારે કર્તાહર્તાઓએ પ્રજાની તિજોરીમાંથી લાખો રૂપિયા ચૂકવ્યા હશે. અને આ વાહનો નોનયૂઝમાં મૂકયા અને ફરીથી નવાં વાહનો ખરીદ્યા હશે ત્યારે પણ કોર્પોરેશને લાખ્ખો રૂપિયા ફૂંકી માર્યા હશે જ. કરદાતા નગરજનોના નાણાંની આવી બરબાદી કોઈ પણ સંજોગોમાં કેવી રીતે પોસાઈ શકે ?! કોર્પોરેશનના કર્તાહર્તાઓ સામાન્ય જ્ઞાન પણ ધરાવતાં નથી ?! એ પ્રશ્ન પણ અહીં પૂછી શકાય !