Mysamachar.in-બનાસકાંઠા
બનાસકાંઠા જો ખેડૂત ધારે તો ખેતીમાં વિવિધતા લાવીને વર્ષે મબલખ ઉત્પાદન ઉપરાંત સારી એવી કમાણી પણ કરી છે, અહી વાત બનાસકાંઠાના નજીકના બુઢણપુર ગામના પ્રગતિશીલ ખેડુત અણદાભાઇ ભેમાભાઇ પટેલની છે તેવો પોતાની 40 એકર જમીનમાં ખારેક, દાડમ, આંબા, પપૈયા, જામફળ, એપ્પલ બોર વગેરે જેવા બાગાયતી પાકોની ખેતી કરે છે. જેમાંથી 12 એકર જમીનમાં તેમણે ઇઝરાયેલી બરહી જાતિની ખારેકનું વાવેતર કર્યુ છે. ચાર વર્ષ પહેલાં 6 એકર જમીનમાં 300 ખારેકના રોપાઓનું અને હમણાં બીજા 300 એમ કુલ-600 ખારેકના રોપાઓનું વાવેતર કર્યુ છે. તેઓએ જણાવ્યું કે, “કચ્છ- ભૂજની અતુલ નર્સરીમાંથી રૂ. 3800ના ભાવના 300 છોડ લાવી ખારેકનું વાવેતર કર્યુ હતું.
જેમાં એક છોડદીઠ રાજય સરકારના બાગાયત ખાતા દ્વારા રૂ. 1250 લેખે સબસીડી પણ મળી હતી. ખારેક પાકના વાવેતરમાં એક વાર વાવ્યા પછી 100 વર્ષનું તેનું આયુષ્ય હોય છે અને 70 વર્ષ સુધી તો એકધારી સારી આવક આપે છે.શરૂઆતના વર્ષમાં 1 છોડ 100 કિ.લો. અને પછી 200 કિ.લો. સુધીનો ઉતારો આપે છે. આ ખારેક બજારમાં હોલસેલના ભાવે રૂ. 50 અને છૂટકમાં 80 થી 100 રૂપિયે કિ.લો.માં વેચાય છે. એક છોડ સરેરાશ રૂ. 5,000 ની આવક આપે છે એટલે 300 છોડમાંથી 15 લાખની આવક મળવાની ધારણા છે. બે ખારેકના છોડ વચ્ચેની જગ્યામાં આંતરપાક તરીકે એપ્પલ બોર વાવ્યા છે એ પણ વર્ષે ચાર લાખની આવક આપે છે. દાડમ, ખારેક, જામફળ બધા પાકોની આવક મળી વર્ષે રૂ. 1 કરોડની માતબર આવક બાગાયતી ખેતીમાંથી થાય છે.”