Mysamachar.in:અમદાવાદ
રાજયની વડી અદાલતમાં અમદાવાદ પોલીસ તોડકાંડની સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં વડી અદાલત સુઓમોટો કાર્યવાહીઓ કરી રહી છે. સુનાવણી દરમિયાન પોલીસે અદાલતને કેટલીક ખાતરીઓ આપી છે. પોલીસે અદાલતમાં જણાવ્યું છે કે, DG અને IG એ કેટલાંક નિર્દેશ આપ્યા છે. શહેરોમાં જયાં પણ એન્ટ્રી અથવા એકઝિટ પોઈન્ટ હશે ત્યાં સિનિયર પોલીસ અધિકારીની હાજરીમાં જ ચેકિંગ કરવામાં આવશે. ચેકિંગ સમયે પોલીસ લોકો સાથે યોગ્ય ભાષા અને યોગ્ય વ્યવહાર કરશે. ચેકિંગ સમયે તમામ સ્ટાફ યુનિફોર્મમાં જ હાજર રહેશે.અને મહિલાઓની ચકાસણી દરમિયાન મહિલા પોલીસકર્મીઓને હાજર રાખવામાં આવશે. ચેક પોઈન્ટ પર ચેક થતાં તમામ વાહનોની ટૂંકી વિગતો સાથેનું રજિસ્ટર બનાવવામાં આવશે.
પ્રત્યેક ટેકસીમાં ડ્રાઇવર સીટ પાછળ હેલ્પલાઇન નંબર અને QR કોડ લગાવવામાં આવશે. ચેક પોસ્ટ પરના તમામ સ્ટાફે બોડી વોર્ન કેમેરો લગાવવાનો રહેશે. અદાલત અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઇચ્છે છે કે, ચેકિંગ દરમિયાન કોઈ પણ નાગરિકને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય. ચેક પોસ્ટ પરના તમામ CCTV કેમેરાને અપગ્રેડ કરવામાં આવશે અને વધુ અસરકારક બનાવવામાં આવશે. વડી અદાલતમાં હવે પછીની સુનાવણી 6 ઓક્ટોબરના દિવસે રાખવામાં આવી છે. ત્યાં સુધીમાં પોલીસે અદાલતે આપેલાં સૂચનો પરનો એક્શન ટેકન રિપોર્ટ તૈયાર કરી, સુનાવણીમાં અદાલત સમક્ષ રજૂ કરવાનો રહેશે.