Mysamachar.in:જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 25 લોકસભા બેઠકો પર, ચૂંટણીઓના ત્રીજા તબક્કા અંતર્ગત ગત્ 7 મે ના દિવસે મતદાન થયું અને હવે સમગ્ર રાજ્યમાં દેશની સાથેસાથે આગામી 4 જૂને મતગણતરી થશે, આ મતગણતરીની વિગતો અને આયોજન રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કુલ 26 મતગણતરી કેન્દ્ર પર 56 ગણતરી નિરીક્ષકો, 30 ચૂંટણી અધિકારીઓ અને 180 મદદનીશ ચૂંટણી અધિકારીઓ આ ગણતરી કામગીરીમાં જોડાશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ ચૂંટણી અધિકારીઓ અને સ્ટેટ નોડલ પોલીસ અધિકારી સાથે આ માટે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. આણંદ જિલ્લામાં બે મતગણતરી કેન્દ્ર છે.
બેઠકમાં જણાવાયું કે, આગામી 2 જૂન પહેલાં તમામ ચૂંટણી નિરીક્ષક ફરજોના સ્થળ પર હાજર થઈ જશે. તમામ કેન્દ્ર પર સવારે 8 વાગ્યાથી મતગણતરીઓ શરૂ થઈ જશે. 641 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ પણ આ કામમાં જોડાશે. તેઓને પોસ્ટલ બેલેટ અને ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટની ગણતરીની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
બેઠકમાં જણાવાયું કે, સ્ટાફનું રેન્ડમાઈઝેશન મતગણતરીઓના 24 કલાક અગાઉ અને ફરીથી 4 જૂને સવારે 5 વાગ્યે બીજી વખત કરવામાં આવશે. આ પ્રક્રિયાઓ નિરીક્ષકોની હાજરીમાં થશે. મતગણતરીઓની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. તમામ 26 સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે.
તમામ કેન્દ્ર પર એસઆરપીએફ તથા સીએપીએફ ની ટુકડી ગોઠવવામાં આવશે. મોબાઈલ ફોન, આઈ પેડ કે લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરીના કેન્દ્ર પર લઈ જઈ શકાશે નહીં. મીડિયા સેન્ટર તથા પબ્લિક કોમ્યુનિકેશન સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં કયાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ થઈ શકશે નહીં. મતગણતરીના દિવસે https://result.eci.gov.in/ પર ચૂંટણી પરિણામ જાણી શકાશે.
-જામનગરમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી
4 જૂને જામનગરમાં હરિયા કોલેજ ખાતે મતગણતરીઓ થશે. 7 હોલમાં 98 ટેબલ ગોઠવવામાં આવશે. જામનગર લોકસભા બેઠક પર કુલ મતદાન 10,48,251 મતોનું થયેલું. કાલાવડ વિધાનસભા મતવિસ્તારની ગણતરીઓ માટે 12 ટેબલ પર 24 રાઉન્ડમાં મતગણતરીઓ થશે. જામનગર ગ્રામ્ય વિસ્તાર માટે 12 ટેબલ, 23 રાઉન્ડ, જામનગર ઉત્તર મતવિસ્તાર માટે 12 ટેબલ 20 રાઉન્ડ, જામનગર દક્ષિણ મત વિસ્તાર માટે 12 ટેબલ, 17 રાઉન્ડ, જામજોધપુર મતવિસ્તાર માટે 12 ટેબલ, 23 રાઉન્ડ, ખંભાળિયા મતવિસ્તાર માટે 14 ટેબલ, 24 રાઉન્ડ અને દ્વારકા મતવિસ્તાર માટે 12 ટેબલ, 26 રાઉન્ડની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી(કલેક્ટર) ભાવિન પંડયાના માર્ગદર્શન મુજબ, સ્ટાફની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.