Mysamachar.in-રાજકોટ
કોરોનાનો કપરો કાળ ચાલે છે, એવામાં ગામે ગામે જિલ્લે..જિલ્લે કોરોનાના દર્દીની એક એક વસ્તુઓ જેમ કે બેડ, હોસ્પિટલ, ઓક્સીઝ્ન સહિતના માટે લોકો વલખા મારી રહ્યા છે, આ તમામ વચ્ચે કેટલીય વખતે નેતાઓના મુખેથી રાજ્યમાં આરોગ્યની સુવિધાઓમાં કાઈ ઘટ છે નહિ અને રહેશે નહી તેવું સાંભળવા મળતું હોય પણ વાસ્તવિકતા કઈક જુદી છે, અને તેનું ઉદાહરણ આજે ખુદ મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં પણ જોવા મળ્યું.. ત્યારે આ તસ્વીર જોઇને રાજ્યની આરોગ્યની સ્થિતિની વરવી વાસ્તવિકતાનો ચિતાર આપ મેળે મળી જાય….
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ હાઉસફૂલ છે. પરિવારજનો એમ્બ્યુલન્સ ન મળતા પોતાના સ્વજનને ખાનગી વાહનમાં લઇને આવે છે. પરંતુ સિવિલ બહાર પણ ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં એમ્બ્યુલન્સ અને વાહનોની લાંબી કતાર જોવા મળે છે. વામણા તંત્ર સામે પરિવારજનો પોતાના સ્વજનને બચાવવા જુગાડ કરી રહ્યાં છે.આજે તો હદ થઇ ગઈ તેવા વિડીયો અને તસ્વીરો સામે આવે જે મોડેલ સ્ટેટ માટે શરમજનક છે, જેમાં એક કારમાં લઇને આવેલા દર્દીના પરિવારજનોએ બાટલો ટીંગાડવા માટે કાર પર ખુરશી રાખી વ્યવસ્થા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે. એક તરફ તંત્ર કહે છે કે પુરતા બેડ, પુરતું ઓક્સિજન અને મેડિકલના તમામ સાધનો છે. પરંતુ આ વીડિયોથી સાબિત થાય છે કે, તંત્ર કેટલું વામણુ પુરવાર થઇ રહ્યું છે. દર્દીને બાટલો ચડાવવા માટે સ્ટેન્ડની વ્યવસ્થા ન થતા આખરે પરિવાર પોતાનો જુગાડ લગાવી કાર પર ખુરશી રાખી બાટલો ટીંગાડી પોતાના સ્વજનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ અન્ય શહેરોની જેમ નથી બેડ કે નથી રેમડેસિવિર કે ઓક્સિજન. દર્દીઓ ઓક્સિજન વિના રસ્તા પર તડપી રહ્યા છે અને કેટલાક તો મોતને પણ ભેટ્યા છે. નવા દર્દીઓ પોતાના ખાનગી વાહન કે એમ્બ્યુલન્સમાં આવી લાઇનમાં ઊભા રહે છે. સિવિલ હોસ્પિટલમાં 12-12 કલાક વીતવા છતાં પણ વારો આવતો નથી. ત્યારે દર્દીઓનાં સગા કોરોનાનો ડર છોડી પોતાના સ્વજનને બચાવવા વલખાં મારી રહ્યા છે.