Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
આજના આધુનિક યુગમાં સંચાર માધ્યમો ઇન્ટરનેટનો વ્યાપ બહુ જ મોટા પ્રમાણમાં વધ્યો છે. જેના કારણે તમામ વર્ગના લોકો સંચાર માધ્યમ મોબાઇલ -કોમ્પ્યુટર-ઇન્ટરનેટ વિગેરેનો ઉપયોગ કરતા થયા છે, જેનો ઉપયોગ અનિવાર્ય છે, પરંતુ અમુક લોકો સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા માધ્યમોનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી મહિલાઓને બ્લેકમેઇલ તથા જાતીય સતામણી કરી ગુનાઓ આચરતા હોય છે. આમ સોશ્યલ મીડિયાના ઉપયોગ સાથે દુરુપયોગ ના કિસ્સાઓ પણ વધી રહ્યા નું રોજબરોજ સામે આવે છે. જે બાબતને દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય ખુબજ ગંભીરતાથી લઇ સાયબર ક્રાઇમ સેલને સંવેદનશીલ રહી આવા પ્રકારના ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવાની દીશામાં ચોક્કસ વ્યુહરચના બનાવી, મદદનીશ પોલીસ અધિક્ષક રાધવ જૈનના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા યોગ્ય માર્ગદર્શન સુચના આપેલ હતા.
એવામાં ભાણવડ વિસ્તારની ફરીયાદી યુવતીએ સાયબર ક્રાઇમ સેલ, દેવભૂમિ દ્વારકા ખાતે ફરીયાદ-અરજી કરેલ કે, કોઇ અજાણ્યા ઇસમે તેમના નામને મળતુ આવતુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી આ એકાઉન્ટમાં મેસેન્જર દ્વારા તેમની ફઇની દિકરીના ઇન્સ્ટાગ્રામ મેસેન્ઝરમાં ફરીયાદી યુવતિના ફોટાને મોર્ફ કરી બિભત્સ બનાવી મોકલેલ અને ત્યારબાદ ફરીયાદી યુવતીના ઇન્સ્ટાગ્રામ મેસેન્ઝરમાં આ કામના આરોપીએ બીભત્સ મેસેજો કરેલ તથા ધમકીઓ આપી ફરીયાદી બહેનની ઓનલાઇન જાતિય સતામણી કરી સમાજમાં બદનામ કરવાની કોશિષ કરેલ હોય જે બાબતે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરી સાયબર ક્રાઇમ સેલને તપાસ સોંપવામાં આવેલ.
આ પ્રકારના બનાવોમાં ભોગબનનાર વ્યક્તિ ગભરાઇને આત્મહત્યા સુધીનું પગલું ભરી લેતા હોય છે. જે હકીકતને ધ્યાને લઇ આ બનાવને ખુબજ ગંભીરતાથી લઇ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા તમામ પ્રકારની ટેકનીકલ માહીતીઓ એકત્ર કરી આરોપીઓનું પગેરૂ શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવેલ હતી. મેન્યુઅલ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે આ ગુનામાં મોહીત લલીતકુમાર ભોગાયતા, રે. આઝાદ ચોક, વેરાડ નાકા અંદર, ભાણવડ, તા.ભાણવડ, જી.દેવભુમિ દ્વારકાવાળાની ધરપકડ કરવામાં આવેલ છે.
ઝડપાયેલ યુવક મોહીત લલીતકુમાર ભોગાયતા હાલ જામનગર ખાતે બી.કોમના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. આરોપીએ ફરીયાદીના નામને મળતુ આવતુ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પોતાની ઓળખ છુપાવી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલ હોય અને ફરીયાદીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એકસેપ્ટ ના કરતા, ફરીયાદીને હેરાન તથા બદનામ કરવાના ઇરાદાથી આરોપીએ ફરીયાદીના ઓરીજનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફરીયાદીના ફોટા ડાઉનલોડ કરી ફેસબુકમાં આવતી જાહેરાતમાં ફોટો એડીટ કરવાની લિંક પર જઇ ફરીયાદીના બે ફોટા મોર્ફ કરી ન્યુડ ફોટો બનાવી પોતે બનાવેલ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફરીયાદીના ફઇની દિકરીને મેસેન્જરમાં ફરીયાદીના મોર્ફ કરેલા બે ન્યુડ ફોટા મોકલેલ તથા ફરીયાદી બહેનના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમાં આ કામના આરોપીએ બિભત્સ મેસેજો કરેલ તથા ધમકીઓ આપેલ હોવાની કબુલાત કરેલ છે.
-લોકોએ કઈ રીતે ચેતવું
જનતા જોગ પોલીસે એવી અપીલ પણ કરી છે કે, આપને કયારેય અજાણ્યા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એપ પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવે તો સાવધાન રહેવુ અને આવી રિકવેસ્ટો સ્વિકારવી નહી તેમજ આ પ્રકારે આપને કોઇ અજાણ્યા ઇસમ અથવા ફેક ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી જાતીય સતામણી કે કોઇ અન્ય હેરાનગતી કરતા અથવા બ્લેકમેઇલીંગ કરતા મેસેજ આવે તો તાત્કાલીક જીલ્લા સાયબર ક્રાઇમ સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.