Mysamachar.in-અરવલ્લીઃ
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ATM લૂંટની ઘટનામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. તસ્કરો દ્વારા ગેસ કટરની મદદથી એટીએમ તોડી તેમાં રહેલા નાણા સેરવી લેવામાં આવી રહ્યાં છે. અરવલ્લીમાં છ કલાકના સમયગાળામાં બે ATMમાં ચોરી થયાની ઘટનાથી ભારે ચર્ચા જાગી છે. એટલું જ નહીં આ લૂંટારું ગેંગના નિશાને ત્રીજું એક ATM પણ હતું જો કે તેમાં સફળતા મળી ન હતી. ઘટનાને લઇને પોલીસે શહેરમાં નાકાબંધીથી લઇને લૂંટારુંઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત પ્રમાણે સોમવારની મોડી રાતે અરવલ્લી શહેરમાં ડેમાઇ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન નજીક આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને ગેસ કટરથી કાપી અંદાજે 6.43 લાખ રૂપિયાની ચોરી કરી હતી, ત્યારબાદ બાયડના પાવનપ્લાઝમામાં આવેલા કેનેરા બેંકના એટીએમમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ સવારના 5 વાગ્યે મોડાસામાં માલપુર રોડ પર આવેલી કેનેરા બેંકના એટીએમમાંથી 1.37 લાખ રૂપિયાની ચોરી કરી હતી. એટલું જ નહીં ATMમાં લૂંટ કરવા આવેલા લૂંટારું સીસીટીવીમાં કેદ પણ થયા હતા, જેમાં દેખાઇ રહ્યું છે કે લૂંટ કરવા આવેલા શખ્સોમાંથી એક વ્યક્તિએ સીસીટીવીમાં કાળો સ્પ્રે છાંટી દીધો હતો.
લૂંટ કરવા આવેલા લૂંટારૂંઓ મોડાસાના કેનેરા બેંકમાં પાણીની બોટલ અને સ્પ્રે ભૂલીને ગયા છે. આ બંને વસ્તુઓ પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદરૂપ થઇ શકે છે. બીજી બાજુ પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ લૂંટ પાછળ દેશભરમાં ATMમાં લૂંટ માટે કુખ્યાત મેવાત ગેંગનો હાથ હોઇ શકે છે. હાલ બાયડ અને મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.