Mysamachar.in-ગાંધીનગર
ગાંધીનગરના કલોલમાં મોબાઈલની દુકાન ધરાવતા દુકાનદારે દુકાન ખોલતા જ તે સ્તબ્ધ થઇ ગયો કારણ કે માથું ઉપરની સાઈડ અને નીચે એક વ્યક્તિ લટકી રહ્યો હતો…. ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના છત્રાલ GIDCમાં આવેલી મોબાઇલની દુકાનમાં ચોરી કરવા માટે ચોર દુકાનના પતરાની છત પર ચડેલો હતો અને અડધા ફૂટ જેટલું પતરૂ ઊંચુ કરી અંદર ઉતારવાની કોશિશ દરમિયાન તેનું ગળું પતરામાં ફસાઈ ગયેલું અને શરીરનો બીજો ભાગ નીચે લટકી રહ્યો હતો. જેનાં કારણે ગળાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ચોરનું વિચિત્ર સ્થિતિમાં મોત નીપજ્યું હતું. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યજ્ઞેશભાઈ નિત્યક્રમ મુજબ સવારે દુકાન પર આવેલા હતા અને દુકાનનું શટર ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈ ગભરાઈ ગયા હતા. તેમની દુકાનની છતમાં એક ઈસમ ગળા સિવાયના ભાગથી લટકી રહ્યો હતો. બાદમાં પિતા પુત્રએ દુકાનની છત પર ચડીને તપાસ કરતા છતનું પતરૂ અડધા ફૂટ જેટલું ખુલ્લું હતું અને ઈસમના બંને હાથ ઉપર રહી ગયેલા અને તેના ગળાના ભાગે પતરાની ધાર ફસાયેલી હતી. તેમજ બાકી શરીરનો ભાગ દુકાનમાં નીચે લટકતો હતો. મરનાર તસ્કર મેક્સિમા કંપનીની કોલોનીમાં રહેતો 26 વર્ષીય અર્જુન હોવાનું ખુલ્યું હતું. ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને મૃતકની લાશને નીચે ઉતારી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.