Mysamachar.in-સુરતઃ
સુરતમાં છેલ્લા ત્રણ મહિનાથી શહેરમાં ચોરીની વિવિધ ઘટનાને અંજામ આપનારી ગેંગને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. શહેરમાં ખટોદરા, ઉધના, સલાબતપુરા, રાંદેર અને ઉમરા વિસ્તારમાં મોબાઇલ લૂંટને અંજામ આપતી ટોળકીના 7 સાગરિતોની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આ ટોળકી પાસેથી 132 મોબાઇલ, આઇપેડ અને 13.90 લાખની રોકડ સહિત કુલ 26.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો નવાઇની વાત તો એ છે કે આ ટોળકી પાસેથી પૈસા ગણવાનું મશીન પણ મળી આવ્યું છે. ત્યારે કેટલા મોટા પ્રમાણમાં આ ટોળકી વહીવટ કરતી હશે તેનો અંદાજ લગાવી શકાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ટોળકી ચોરીના મોબાઇલ જુનેદ ઉર્ફે ખારેક અસ્લમ કાપડીયાને સસ્તામાં વેચી દેતી, મોબાઇલના આઇએમઇઆઇ નંબર બદલવામાં કુખ્યાત જુનેદ ખારેક મોબાઇલ ચોરી કે સ્નેચિંગ કરાવવા માટે ગેંગ પણ ઓપરેટ કરતો હોવાનો ખુલાસો થયો છે.
ક્રાઇમ બ્રાંચે ભેજાબાજ ખારેકની સાથે તેની ગેંગના છ સભ્યોને પણ પકડી પાડયા છે. ખારેકના ઘરેથી મળેલા 131 મોબાઇલ તથા રોકડા રૂપિયા 13.90 લાખ ક્યાંથી આવ્યા તે અંગે તપાસ શરૂ કરાય છે. ચોરીના 16 ગુનાઓ પૈકી ખટોદરા-9, ઉમરા-4, અને ઉધના,સલાબતપુરા અને રાંદેર પોલીસનો એક-એક ગુનો ઉકેલાયો છે. પકડાયેલા તમામ આરોપીઓ ભેસ્તાન આવાસમાં રહે છે. જુનેદ ખારેક મોબાઇલ ચોરી કરાવવા માટે ગેંગ ઓપરેટ કરતો અને તેની ગેંગમાં 10 સભ્યો સામેલ છે. જેઓ બાઇક પર રાહદારીઓ-વાહન ચાલકોના મોબાઇલ સ્નેચિંગ તથા રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં કસબ અજમાવી મોબાઇલ સેરવી લેતી હતી.