Mysamachar.in-અમદાવાદઃ
મેટ્રો સિટી અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી સીએનજી રિક્ષા ચોરીની અનેક ફરિયાદો નોંધાઇ છે. જેના કારણે ક્રાઇમ બ્રાંચે એક્શન મોડમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન એક એવો ચોર હાથ લાગ્યો જે CNG રિક્ષા ચોરવાની ડબલ સેન્ચુરી મારવાની ખૂબ જ નજીક હતો, પરંતુ અંતે તે ઝડપાઇ ગયો. ઝડપાયેલ ઉમર મેડીવાલા નામના શખ્સે છેલ્લા સાત મહિનામાં 75 રિક્ષા ચોરી હોવાનું કબૂલ્યું છે. બાદમાં તેની ક્રાઇમ કુંડળી તપાસતા આ શખ્સ અગાઉ 100 રિક્ષા ચોરીના કેસમાં જામનગર જેલમાં સજા ભોગવી ચૂક્યો છે. એટલે કુલ મળી આ શખ્સો 175 રિક્ષા ચોરી હોવાનું સામે આવતા પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી.
ઝડપાયેલો ઉમર મેડીવાલા શહેરમાં ખાસ કરીને સરકારી હોસ્પિટલ, કોર્ટ, લાલ દરવાજા તેમ મંદિરો બહારથી CNG રિક્ષાની ચોરી કરતો. ચોરી કરેલી રિક્ષામાંથી તે CNG કિટ, બેટરી, સીએનજી વાલ્વ સહિતની ચોરી કરી રિક્ષા ભંગારમાં વેચી દેતો તો ઘણીવાર કિંમતી વસ્તુઓ કાઢી રિક્ષા બિનવારસી હાલતમાં મૂકી દેતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ઉમર રિક્ષાની ચોરી કરવા માટે ડુપ્લિકેટ ચાવી નહીં પરંતુ એકસ્ટ્રા ઈગ્નિશિયન સોકેટનો ઉપયોગ કરતો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ઉમર વર્ષ 2016માં 100 રિક્ષા ચોરીના ગુનામાં પાસા હેઠળ જામનગર જેલમાં સજા ભોગવી ચૂક્યો છે. હાલ ચોરાયેલી રિક્ષાઓમાંથી પોલીસે બિનવારસી હાલતમાં મૂકી દીધેલી 10 જેટલી રિક્ષાઓની સાથે રિક્ષાની બેટરીઓ અને સીએનજી કિટના વાલ્વ પણ કબજે કર્યાં છે.