Mysamachar.in:જામનગર
આજના સમયમાં કોઈને કોઈ પ્રકારે શોર્ટકટથી પૈસા કમાવવા લોકો અવનવી મોડસ ઓપરેન્ડીથી સામેવાળાને છેતરપીંડીના શિકાર બનાવે છે, આવી જ કેટલીક ઘટનાઓ જામનગર શહેરમાં સામે આવ્યા બાદ સાઈબર ક્રાઈમ પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે, ફોન-પેના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ફોન-પે અપડેટ કરવાના બહાને એકાઉન્ટના પાસવર્ડ જાણી વ્યાપરીઓના ખાતામાંથી પૈસા પડાવી ફ્રોડ કરતો હોવાનું સામે આવ્યું છે..
જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝાના માર્ગદર્શનમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, તેમાં ફોન-પે ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી “વેરાઇ પ્રોવિજન સ્ટોર” રણજિત સાગર રોડ, જામનગર રૂ.01,15,000/-, “મહેશ ડીપાર્ટમેન્ટલ સ્ટોર” નિલકમલ સો.સા. જામનગર રૂ.15,000, “રવિ પ્રોવિજન સ્ટોર”, જામનગર રૂ.8,000/-, “ચામુંડા પ્રોવિજન સ્ટોર” સ્વામિનારાયણ નગર, જામનગર રૂ.30,000/- વગેરે દુકાનદારો પાસે જઇને ફોન-પે અપડેટ કરવાના બહાને તેમજ દુકાનમાં ક્યુઆર કોડ નો ઉપયોગ કરી ગુગલ-પે કરવાથી પૈસા ની લેવડ-દેવડમાં ફાયદો થશે તેવા બહાના બતાવી દુકાનદારોને વિશ્વાસમાં લઇ દુકાનદારનો મોબાઇલ મેળવી ફોન-પે એપ્લીકેશન ચાલુ કરાવી તેના યુ.પી.આઇ. પીન નંબર મેળવી ફોન મા થોડીવાર કોઇક એક્ટિવીટી કરીને ફોન પરત આપી બે-ત્રણ વાર દુકાનદાર પાસે આવી ફોન-પે બરાબર ચાલે છે કે નહિ તેવું ચેક કરવાનું જણાવી બદદાનતથી મોબાઇલ મેળવી લાખો રુપીયા ટ્રાન્સફર કરી છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ઇઝરાયલ ઇકબાલભાઇ સમા નામના ઇસમ કે જેણે ફોન-પે ના કર્મચારી તરીકેનો ખોટી ઓળખ આપી છેતરપીંડી આચરી હોય તેને ઝડપી પાડ્યો છે.
અગાઉના ગુનામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા શરતી જામીન આપેલ હોય જેથી હાઇકોર્ટના શરતોનો ભંગ કરેલ હોય જેને રીપોર્ટ જામનગર જીલ્લા કોર્ટ ખાતે કરવા માટે પણ તજવીજ કરેલ છે. ઝડપાયેલા આરોપી ફોન-પે ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી દુકાનદારો પાસે જઈને ફોન-પે અપડેટ કરવાના બહાને મોબાઇલ લઇને તેમના પાસવર્ડ મેળવી બદદાનતથી પૈસા ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરતો. આરોપીએ આગાઉ ફોન-પે, ગૂગલ-પે, પેટીએમ, ઝોમેટો ખાતે નોકરી કરેલ હોવાનું પણ પોલીસ જણાવે છે.