Mysamachar.in-અમદાવાદ:
આયુષ્યમાન કાર્ડ લાખો કરોડો લોકો માટે અતિ ઉપકારક છે પરંતુ દરેક સિસ્ટમ માફક આ સિસ્ટમમાં પણ ‘માલખાઉ’ તત્વોની નીતિરીતિઓને કારણે સરકારે સિસ્ટમમાં થોડા થોડા સમયના અંતરે નવા નવા ફિલ્ટર મૂકવા પડી રહ્યા હોય, આ નિયંત્રણોનું નુકસાન લોકોએ વેઠવું પડી રહ્યું છે અને એટલાં પ્રમાણમાં આ કાર્ડની ઉપયોગિતા ઘટી રહી છે.
સરકારે એક પરિપત્ર બહાર પાડી એવું જાહેર કર્યું છે કે, ની રિપ્લેસમેન્ટ (ઘૂંટણની ઢાંકણી બદલાવવી), ની રિપ્લેસમેન્ટ રિવિઝન સર્જરી અને ગર્ભાશયની કોથળી (હિસ્ટ્રેકટોમી)ની સર્જરી આયુષ્યમાન કાર્ડમાં રિઝર્વ રાખવામાં આવી છે. એટલે કે અગાઉ આ ત્રણેય પ્રકારની સર્જરી આ કાર્ડ અંતર્ગત તમે ખાનગી હોસ્પિટલમાં કરાવી શકતા હતાં. હવે ના કરાવી શકો. હવે તમારે આ સર્જરી માટે ફરજિયાત સરકારી હોસ્પિટલ જવાનું. અને સરકારી હોસ્પિટલનો લોકોને કેવો અનુભવ છે, એ સૌ જાણે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકારની સર્જરીઓ ખાનગી હોસ્પિટલોમાં મોટાં પ્રમાણમાં થતી. હાલના સમયમાં સાંધાની વિવિધ સર્જરીઓનું પ્રમાણ વધી ગયું છે. સરકારના ધ્યાન પર આવ્યું છે કે, હાલમાં ઘણાં સમયથી ઘણાં કેસોમાં જરૂર ન હોય તો પણ નાની ઉંમરના લોકો આવી સર્જરીઓ આ કાર્ડ અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં કરાવી રહ્યા છે. જેમાં સંભવિત કૌભાંડની ગંધ પણ ઉઠી. આથી સરકારે કહ્યું: આ ત્રણ સર્જરીઓ હવે આ કાર્ડ અંતર્ગત માત્ર સરકારી હોસ્પિટલમાં જ કરાવી શકાશે. આ નિયમ 55 વર્ષથી ઓછી વય ધરાવતાં લોકો માટે જાહેર કરવામાં આવ્યો છે.
એક મહિલા દર્દીના પુત્ર કહે છે: અમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે. પરંતુ મારાં માતાની ઉંમર 55 વર્ષ કરતાં ઓછી હોવાથી ખાનગી હોસ્પિટલો સર્જરીની ના પાડે છે. અને કહે છે: કાર્ડ નહીં ચાલે, સર્જરી કરાવવી હોય તો રૂ. દોઢ પોણાં બે લાખનો ખર્ચ થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મોટાભાગની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબ ઉપરાંત યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, વધુ પડતાં કેસ સહિતની બાબતોને કારણે આવી સર્જરીઓના મામલામાં સરકારી હોસ્પિટલોમાં એક તરફ કાર્યબોજ વધી રહ્યો છે, બીજી તરફ દર્દીઓ પારાવાર હાલાકીઓ વેઠી રહ્યા છે. 55 વર્ષથી નાની વયના ઘણાં લોકોના આ કેસ જેન્યુઈન પણ હોય છે. જેઓને મુખેથી લેવાની દવાઓ કે ઈન્જેક્શનથી પણ દુ:ખાવામાં રાહત થતી નથી, આ પ્રકારના કેસમાં સર્જરીઓ ફરજિયાત બની જતી હોય છે.