Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના વાચકો પણ વાંચી શકે એવો એક અંગ્રેજી મીડિયા રિપોર્ટ આજે સવારે પ્રકાશિત થયો છે. આ ચોંકાવનારા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે ગામો હર્ષદ ગાંધવી અને નાવદરા ગામના 700 માછીમારો કહે છે કે, તેઓ હાલની લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકે એમ નથી કેમ કે, તાજેતરમાં નવી પ્રસિદ્ધ થયેલી આખરી મતદારયાદીમાં તેમના નામો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, માર્ચ 2023માં આ ગામોમાં ઓપરેશન ડીમોલિશન થયું હતું. આ મતદારો કહે છે, આ ડીમોલિશનમાં બંદર પર રહેલાં તેમના ઘરો પાડી નાંખવામાં આવ્યા હતાં. ચૂંટણીપંચે આ નામો મતદારયાદીમાંથી ડીલીટ કર્યા છે.
ગાંધવી ગામનો માછીમાર અયુબ પટેલિયા કહે છે: દસ દિવસ અગાઉ હું મિયાણી ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ સર ગયો હતો. ત્યારે મારી તથા મારાં પરિવારની મતદાર કાપલી અંગે મેં લોકોને પૂછયું હતું કે, અમારાં વતી અમારી મતદાર કાપલી તંત્ર દ્વારા કોઈને આપવામાં આવી છે. તેઓએ કહ્યું, તમારી મતદાર કાપલી આપવામાં આવી નથી. ત્યારબાદ અયુબ પટેલિયાને જાણવા મળેલ કે, તેમના નામો મતદાર યાદીમાંથી ડીલીટ થયા છે. અયુબ પટેલિયાના પત્ની સકીનાબેન દસ વર્ષ અગાઉ ગાંધવી પંચાયતમાં સદસ્ય તરીકે ચૂંટાયા હતાં.
માછીમારોના અગ્રણી ગફૂર પટેલિયા કહે છે: ગાંધવીમાં 350 માછીમારો એવા છે જેમના નામો અગાઉ મતદાર યાદીમાં હતાં, તે પૈકી 347 માછીમારોના નામો યાદીમાંથી ડીલીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું: આવી જ રીતે નાવદરામાં 225 માછીમારના નામો મતદાર યાદીમાં નોંધાયેલા હતાં તે પૈકી 224 મતદારોના નામો યાદીમાંથી ડીલીટ કરવામાં આવ્યા છે.
રિપોર્ટમાં જણાવાયા મુજબ, આ માછીમારો કહે છે, ઓપરેશન ડીમોલિશનમાં અમારાં ઘરો તોડી પડાયા બાદ અમે દ્વારકા નજીકના રૂપેણ બંદર, પોરબંદર નજીકના માધવપુર, જૂનાગઢના માંગરોળ અને ગીર સોમનાથના હીરાકોટમાં વસવાટ કરી રહ્યા છીએ. માછીમારો કહે છે: ઓપરેશન ડીમોલિશન વખતે એક સિનિયર પોલીસ અધિકારીએ અમને એમ કહેલું કે, તમે લોકો આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને પાન કાર્ડમાં સરનામું બદલાવવા માટે અરજીઓ કરતાં નહીં. તેથી અમે અરજીઓ કરી નથી. પરંતુ હાલ અમારાં નામો અહીંની મતદાર યાદીમાં નથી.
45 વર્ષના ગફૂર પટેલિયા અને અયુબ પટેલિયા પોતાના પરિવારના દસ સભ્યો સાથે હાલ માધવપુર રહે છે. તેઓ કહે છે, આ બધાં માછીમારોએ 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં મતદાન કરેલું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી.પટેલ આ રિપોર્ટમાં કહે છે: આ નામો ડીલીટ કરવામાં આવ્યા છે પરંતુ તે માટેની નિયમ અનુસારની પ્રોસેસ કરવામાં આવી છે. ગત્ જૂલાઈમાં આ પ્રકારના આશરે 700 નામો ડીલીટ કરવામાં આવ્યા હતાં. દરેક મતદારને વ્યક્તિગત રીતે આ માટે નોટિસ પણ આપવામાં આવી હતી. બાદમાં સંબંધિત ગ્રામ પંચાયતમાં જાહેર નોટિસ પણ આપવામાં આવી હતી કે, આ નામો શા માટે ડીલીટ ન કરવા ? કોઈ મતદારે પ્રતિભાવ આપ્યો ન હતો. બાદમાં ગ્રામ પંચાયત અને તલાટીના રિપોર્ટ પછી નામો દૂર કરવામાં આવ્યા હતાં. આ પ્રોસેસ દરમિયાન 48 મતદારો એ ગામમાં રહેતાં હતાં, તેમના નામો મતદાર યાદીમાં છે. નામો રદ્દ થયા ત્યારે જેતે ગ્રામ પંચાયતમાં જાહેર કરવામાં આવેલું. કોઈ મતદારે વાંધો લીધો ન હતો.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કહે છે, આ માછીમારો જ્યાં વસવાટ કરે છે ત્યાં તેમના નામો મતદાર યાદીમાં દાખલ કરાવી શકે, તેવો વિકલ્પ તેમની પાસે હતો જ. આ રિપોર્ટ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી ( કલેક્ટર જી.ટી.પંડયા ) કહે છે: નામો રદ્દ થયાના સમાચાર ખોટાં છે, અમે રદિયો આપીએ છીએ.