Mysamachar.in-જામનગર:
આજે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી. જી. હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ તથા ડોક્ટરો સાથે જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ દાખલ દર્દીઓની સંખ્યા તથા તેમની સ્થિતિ હોસ્પિટલમાં ઓક્સીજનની જરૂરિયાત તથા તેની સ્થિતિ રેમડેસેવીર ઇન્જેકશનની જરૂરિયાત તથા માંગ આવશ્યક દવાઓની જરૂરિયાત, મેડિકલ પેરામેડિકલ સ્ટાફની ફાળવણી અને રાત્રિ દરમિયાન દાખલ દર્દીઓની વિશેષ કાળજી સહિતના મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ મંત્રીએ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો તથા સૂચનો ધ્યાનથી સાંભળ્યા હતા અને સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
આ તકે, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોનાની વર્તમાન મહામારીનો બીજો તબક્કો સંક્રમણની ગતિ વધુ છે. આ સમયે જરૂરી છે કે તમામે તમામ લોકો એ બાબતની પૂરી તકેદારી રાખે કે સંક્રમણ આગળ વધે નહીં. આ સાથે જ મંત્રી હોસ્પિટલની વ્યવસ્થા અંગે જણાવતાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને જામનગરની કોવિડ હોસ્પિટલને જે જરૂરિયાત છે તે મુજબનો ઓક્સિજનનો જથ્થો, રેમડેસિવીર ઇન્જેક્શન વગેરે દવાઓનો પૂરતો જથ્થો મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જામનગર ખાતે વ્યવસ્થામાં કોઈ ઉણપ આવશે નહીં પરંતુ સાથે જ જરૂરી છે કે,
લોકો જાગૃત રહે અમને તંત્રને સાથ આપે અને મહામારીને રોકવા માટે જે તકેદારીઓ સૂચવવામાં આવી છે તેનું પૂરેપૂરું પાલન કરે. હાલ ઓક્સિજનનો જથ્થો પુરતો મળી રહ્યો હોવા છતાં ૨૪ કલાકમાં મૃત્યુ દર ઘટાડી શકાયો નથી તેનું મુખ્ય કારણ એ છે કે દર્દીઓ આ બીમારીના છેલ્લા સ્ટેજમાં એટલે કે અત્યંત ગંભીર પરિસ્થિતિ થયા બાદ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ સમયે જામનગરના તમામ લોકોને ખાસ અનુરોધ છે કે, જો આપને જરાપણ કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક અસરથી તબીબનો સંપર્ક કરો અન્ય લોકોથી અંતર રાખો અને પોતાની સામાજિક જવાબદારીને પૂર્ણપણે નિભાવો….
આ ઉપરાંત કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ હોસ્પિટલમાં મૃત્યુ પામતા દર્દીઓના શબ જે પરિવારજન ઈચ્છે છે તેમને સોંપવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મૃતદેહ ઘરે લઈ જવામાં આવ્યા બાદ કીટ ખોલવામાં આવી છે જેના કારણે બીજા લોકો પણ સંક્રમિત બન્યા હોવાની ભીતિ પેદા થઈ છે આ સમયે જે લોકો મૃતદેહને ઘરે લઈ જાય તે કિટને ખોલે નહીં અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી કોવિડ માર્ગદર્શિકાનુ પાલન કરે તેમ કહી રાજ્યમંત્રીએ જામનગરની જનતાને કહ્યું હતું કે, જનપ્રતિનિધિઓ જામનગરની જનતાની સાથે ઉભા છે. હોસ્પિટલની વ્યવસ્થામાં કોઈ ઉણપ આવવા દેવામાં આવશે નહીં, પરંતુ આ સમયે માત્ર જામનગરવાસીઓનાં સાથની જરૂર છે.