Mysamachar.in-અમદાવાદ:
વર્ષના અંતિમ માસ ડિસેમ્બરના હવે ગણતરીના દિવસો બાકી છે. નાતાલની આ રજાઓ બાદ નવો જાન્યુઆરી મહિનો શરૂ થશે, જેના પ્રથમ જ દિવસથી વિવિધ પાંચ ક્ષેત્રોમાં નવા નિયમો સહિતના ફેરફારો આવી રહ્યા છે, જે સૌ સંબંધિતોએ જાણવા આવશ્યક છે.
આગામી પહેલી તારીખથી રાંધણગેસ અને ATFની કિંમતોમાં ફેરફાર આવશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે નવી કિંમત જાહેર કરે છે. આ ઉપરાંત UPI 123pay ના નિયમોનો અમલ પહેલી તારીખથી થશે. EPFO પેન્શનરો માટે બનાવવામાં આવેલા નવા નિયમો 1 તારીખથી લાગુ થશે અને ખેડૂતોને ગેરેન્ટી વગર જ લોન આપવાનું શરૂ થશે.
ઘરેલુ ગેસ એટલે કે રાંધણગેસના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી, જે પહેલી તારીખે થઈ શકે છે. પહેલી તારીખથી EPFO પેન્શનરો, દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન મેળવી શકશે. રિઝર્વ બેંકે ફીચર ફોનથી ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓ માટે UPI 123pay સ્કીમ લોન્ચ કરી છે. ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવા પણ નિર્ણય થયો છે, જે આગામી 1 તારીખથી અમલમાં આવશે. હાલની મર્યાદા રૂ. 5,000 છે તે બમણી થઈ રૂ. 10,000 કરી નાંખવામાં આવશે.
શેરબજારના સેન્સેક્સ, સેન્સેક્સ -50 અને બેન્કકેસની માસિક એકસપાયરીમાં ફેરફાર થશે. શુક્રવારને બદલે મંગળવારે એકસપાયરી થશે. આ ઉપરાંત ત્રિમાસિક અને છમાસિક કરારો મહિનાના અંતિમ મંગળવારે સમાપ્ત થશે. આ સાથે નિફટી-50 માં માસિક કોન્ટ્રાક્ટ માટે ગુરૂવાર નક્કી કરવામાં આવ્યો છે.
વર્ષના પ્રથમ દિવસથી ખેડૂતોને રૂ. 2 લાખ સુધીની લોન RBI દ્વારા વગર ગેરેન્ટીએ આપવામાં આવશે. અગાઉ આ લોનની આ મર્યાદા રૂ. 1.6 લાખ હતી એ 40,000 વધારવામાં આવી છે, જેનો અમલ 1 જાન્યુઆરીથી થશે.(symbolic image)