Mysamachar.in-જામનગર
આજકાલની ભાગ દોડ ભરી જીવનશૈલીમાં પોતાનો ખ્યાલ રાખવો ખૂબ મુશ્કેલી ભર્યું બની ગયું છે તો પણ લોકો સમયસર આહાર લેતાં નથી કે ખાતા નથી. તેનાથી થાક સાથે બીજી ઘણી શારીરિક સમસ્યાઓ થાય છે. આના છૂટકારા માટે લવિંગ એક અસરકારક સાબિત થાય છે. લવિંગનો ઉપયોગ ભારતીય મસાલાની અંદર ભરપૂર માત્રામાં કરવામાં આવતો હોય છે. ભારતીય રસોડામાં દરરોજ સારાં પ્રમાણમાં વપરાશ કરવામાં આવે છે કે જેથી રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગ સ્વાદમાં તીખા હોય છે.
લવિંગમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન, સોડીયમ અને ઝીંક જેવા તત્ત્વો સૌથી વધારે માત્રામાં હોય છે. લવિંગની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ રહેલાં છે કે જે શરીરની અંદર રહેલી અનેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં ઉપકારક સાબિત થાય છે. તેથી લવિંગ બહુ ફાયદાકારક બની રહે છે. એવાં જ લવિંગના અમુક એવાં ફાયદાઓ છે કે જેના વિશે આપણે અજાણ હોઈશું!
આજના ભાગદોડ ભર્યાં જીવનમાં લોકો ખાવા-પીવાની અંદર પુરતું ધ્યાન રાખતા નથી અને આથી જ લોકોને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. પેટની સમસ્યાઓમાં ગૅસ એ સૌથી સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો ગૅસની સમસ્યાથી પીડાતા હોય છે. ત્યારે સવારમાં ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીની અંદર લવિંગના તેલના જાણકારી મુજબ અમુક ટીપાં નાખી તેને પીવામાં આવે તો પેટને લગતી સમસ્યાઓમાંથી રાહત મળે છે. આયુર્વેદિક વિજ્ઞાન મુજબ માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય આહાર ખૂબ જરૂરી છે. લવિંગ એમાં શામિલ થઈ એન્ટીઓક્સીડેન્ટ ઇમ્યુનીટી શક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે. એનાથી બીમારી મહદ્દઅંશે નથી થતી.
યોગ્ય માત્રામાં લવિંગ ખાવાથી શારીરિક ક્ષમતા પણ વધે છે. જે શરીરમાં ટેસ્ટોસ્ટેરાનની સંખ્યા વધારવામાં મદદ કરે છે. લવિંગમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. તે શ્વાસ સંબંધિત બિમારીના ઉપયોગમાં રામબાણ ઈલાજ સમાન સાબિત થાય છે. એનાં પાવડરને પીસીને ખાવાથી શ્વાસ લેવામાં થતી મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે. જે વ્યક્તિઓને મોંમાં પાયોરિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓના મોં માંથી દુર્ગંધ આવતી હોય છે. મોં માંથી આવતી આ દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે તથા પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છૂટકારો મળે રહે છે. એટલે એનાં તેલથી કોગળા કરવાથી મોંમાં રહેલી ગંધ પણ ખતમ થાય છે. મોં પરના ખીલના બેક્ટેરિયાને પણ ખતમ કરી શકે છે. લવિંગ દર્દનાશકનું કામ કરે છે.
જ્યારે માથું અથવા કમર દર્દ થયું હોય ત્યારે લવિંગના તેલની માલિશ કરવાથી ફાયદો થાય છે. એનાથી સોજો પણ ઓછો થાય છે. વધતી જતી ઉંમરની અસરને માત આપવા આ ઔષધિનો ઉપયોગ કરી શકાય છે. સાંધાની પીડા માટે પણ તે ખૂબ ફાયદાકારક છે. જે લોકોને અર્થરાઇટ અથવા ગઠિયા રોગ હોય એમને રોજ રાત્રે સૂતાં પહેલાં લવિંગના તેલથી માલિશ કરી એનાં પછી ગરમ કપડાંથી ઢાંકી દેવાથી રાહત મળે છે. લવિંગનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. જો ચેહરામાં કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા કે ડાક સર્કલ હોય તો તેને દૂર કરવા માટે લવિંગ બહુ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે લવિંગના પાઉડરનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકાય છે.
લવિંગના પાવડરની અંદર થોડો ચણાનો લોટ ઉમેરી ત્યારબાદ તેને ચહેરા પર લગાવવાથી ચહેરાની અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. જેમને દાંતમાં દર્દ રહેતો હોય એ લોકોએ લવિંગ દાંતમાં દબાવીને રાખવું જોઈએ. એનાથી દર્દ ઓછું થાય છે. લવિંગના તેલથી દાંતો પર માલિશ કરવાથી થતાં રક્તસ્ત્રાવની સમસ્યા દૂર થાય છે. મોટાભાગના લોકો ખરતા વાળની સમસ્યાથી પીડાતા હોય છે. લવિંગ ખરતાં વાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આ માટે થોડા લવિંગને ગરમ પાણીની અંદર ઉકાળીને અને ત્યારબાદ વાળને પાણીથી ધોઈ લેવાથી તમારા વાળમાં કુદરતી ચમક આવે છે અને વાળ જડમૂડથી મજબૂત બને છે. તેમજ વાળની સમસ્યાઓમાંથી છૂટકારો મળવી શકાય છે.
વ્યસનોથી કે કોઈ અન્ય કારણોથી કોઈવાર ફેફસાંની નળી જામ થઈ જાય છે. જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સમસ્યાથી બચવા માટે સલાહ મુજબ રોજ અમુક માત્રામાં લવિંગ ખાવાથી ફેફસાં મજબૂત થાય છે. જેમને હંમેશા ઠંડી લાગે છે અથવા જલ્દી શરદી થાય છે એમને દિવસમાં બેથી ત્રણ લવિંગનું સેવન કરવું જોઈએ. તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. વાગેલી જગ્યાએ જલ્દી ઠીક ન થઈ રહ્યું હોય તો લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગ રોગપ્રતિકારક શક્તિને વધારે છે. સાથે ઘાવને જલ્દી ભરવામાં સહાયક થાય છે. લવિંગ સુગર કંટ્રોલ કરે છે, પાચનશક્તિને મજબૂત બનાવે છે તથા પુરુષોની યૌન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા પણ મદદ કરે છે.
કોરોનાકાળમાં અત્યારે શરીરને જેટલું સ્વસ્થ અને ફિટ રાખી શકીએ એટલું આપણે માટે સારું છે. બદલાતી ઋતુના કારણે આજે લોકોને ગળામાં ખારાશ, ઇન્ફેક્શન, સૂકી ખાંસી, શરદી, ખાંસી જેવી સમસ્યાઓથી હેરાન થવું પડે છે. આ એવી સમસ્યા છે જે કોરોનાના પણ લક્ષણમાં આવે છે. ત્યારે આવી સમસ્યા થતાં લોકો ડૉકટર પાસે જતાં ગભરાતા હોય છે. એવામાં આ આયુર્વેદિક અને દરેક ભારતીય ઘરમાં પ્રાપ્ય લવિંગ ઉપકાર નીવડી શકે છે. પરંતુ વ્યક્તિગત રીતે શરીરની તાસીર જુદી હોવાથી સલાહ અને અનુકૂળતા મુજબ ઔષધિનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે.