Mysamachar.in-અમદાવાદ:
જૂગાર, શરાબ સહિતનો નશો અને દેહવ્યાપાર જેવી બાબતો ઘણાં બધાં લોકોના દિમાગમાં ઈનબિલ્ટ હોય છે, તેથી આ પ્રકારના ગુનાહિત માનસ ધરાવતાં તત્વો પોતાની આ પ્રવૃતિઓ, કાયદાની નજરથી બચીને આચરવા માટે જુદાં જુદાં ઉપાયો શોધતાં હોય છે, આવો એક નુસખો કેટલાંક શખ્સોએ આચર્યો હતો, અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે આ શખ્સોને ઝડપી લીધાં છે.
સામાન્ય રીતે પોલીસ યાદીઓમાં એવું જાહેર થતું હોય છે કે, ફલાણાની વાડીમાંથી અથવા ફલાણાનાં રહેણાંક મકાનમાંથી આટલાં જૂગારીઓ ઝડપાઈ ગયા. ઘણી વખત એવું પણ જાહેર થતું હોય છે કે, ફલાણી જગ્યાએ જાહેરમાં આટલાં શખ્સો જૂગાર રમી રહ્યા હતાં, પોલીસે ઝડપી લીધાં. આ પ્રકારના ફીલ્ડની વિગતો કોઈ કારણસર પોલીસ સુધી પહોંચી જતી હોય છે. આથી કેટલાંક શખ્સોએ ફીલ્ડ સિવાયનો એટલે કે, ઓનલાઈન જૂગાર રમવા તથા રમાડવા ખાસ એપ્લિકેશન બનાવી, જેમાં 200થી વધુ ખેલૈયાઓને જોડી દેવામાં આવ્યા, બાદમાં જો કે આ આખો મામલો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે શોધી કાઢ્યો હોવાનું બહાર આવ્યું છે.
2 પોલીસ ઈન્સ્પેક્ટર અને 7 ફોજદારોની ટીમે આ ઓનલાઈન જુગાર ગેંગને ઝડપી લીધી છે. આ અડધો ડઝન આરોપીઓ આમ તો જો કે રીઢા ગુનેગારો છે. જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં ખૂન સહિતના ગુનાઓ નોંધાયેલા છે.પોલીસે શોધી કાઢેલા આ 6 આરોપીઓ બધાં જ અમદાવાદના છે, આ શખ્સોએ સુરતના એક વેબ ડેવલપર પાસે એપ્લિકેશન બનાવડાવી છે અને આ એપ મારફત 200 જૂગારીઓ ઓનલાઈન જૂગાર રમી રહ્યા હતાં. આ શખ્સોએ GENESIS GAME નામની લાઈવ સ્ટ્રીમિંગ ફંકશન ધરાવતી એપ બનાવડાવી હતી અને શહેરના વિવિધ વિસ્તારના જૂગારીઓને આ એપમાં જોડી જૂગાર રમાડવામાં આવી રહ્યો હતો. આ શખ્સો પૈકી બે શખ્સો એવા છે જે ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક જાણે છે, આ ઓનલાઈન સટ્ટાબાજી-જૂગારને આધાર બનાવીને આ શખ્સોએ વેબ ડેવલપર પાસે આ એપ બનાવડાવી હતી, હવે પોલીસ આ ડેવલપરને શોધી રહી છે.