Mysamachar.in-ભુજ:
આજના આધુનિક સમયમાં પણ કેટલાક ચાલક તત્વો કોઈને કોઈ પ્રકારે લોકોને શીશામાં ઉતારવાનું શોધતા હોય છે, આવો જ એક કિસ્સો ભુજમાં સામે આવ્યો છે, જેમાં પોતાની પાસે જાદુઈ ચિરાગ હોય તેના આધારે લોકોને જગમાં બેટરી અને ટેસ્ટર વડે ટ્યુબલાઇટ ચાલુ કરી જાદુઇ ચિરાગના નામે છેતરપિંડી કરવા નિકળેલા બે શખ્સોને નખત્રાણા બેરૂ નાકા પાસેથી એલસીબીએ ઝડપી પાડ્યા છે, ટીમને બાતમી મળી હતી કે નખત્રાણા બેરૂ નાકા પાસે બે ઇસમો જાદુઇ ચિરાગથી છેતરપિંડી કરવાની ફિરાકમાં છે. પોલીસની ટુકડી બેરૂ નાકા પાસે પહોંચી કૌશિક અરવિંદભાઇ પટેલ (રહે. જુનાવાસ, નખત્રાણા) અને કિશોર કાંતી દાતણીયા (રહે.મુળ અાંસબીયા હાલે રામનગરી,ભુજ)વાળાને પકડયા હતા.
બંને પાસે રહેલા કાળા કલરના થેલાની ઝડતી લેતા તેમાંથી વિંછી દોરેલો જગ, છ ઇંચની લાંબી ટ્યુબલાઇટ બે, પીળા કલરનું ટેસ્ટર મળી આવ્યો હતો. આ ચીજવસ્તુઓ અંગે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા બંને ભાંગી પડયા હતા અને જણાવ્યું હતું કે, આ જગને જાદુઇ ચિરાગ તરીકે દર્શાવી જગની નીચેના ભાગમાં ચાર્જિંગવાળી બેટરી તથા સર્કીટ ફીટ કરી ઇલેકટ્રીક ટ્યુબલાઇટ તથા ટેસ્ટર વડે લાઇટ ચાલુ કરીને બતાવી જાદુઇ જગ હોવાના નામે પૈસા પડાવી છેતરપિંડી કરવાની ફિરાકમાં હોવાની વાત કરી હતી. નખત્રાણા પોલીસ મથકે બંને સામે ગુનો નોંધાવી પોલીસે 55,700 રોકડા, જાદુઇ જગ કિંમત 1000,, ટયુબલાઇટ કિંમત 50, ટેસ્ટર કિંમત 20 અને મોબાઇલ કિંમત 10 હજાર મળી કુલ 66,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો.






