Mysamachar.in-ગાંધીનગર:
જનસામાન્યમાં એક છાપ એવી પણ છે કે, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ‘જલસા’ છે, કામ ઓછું- વેતન વધુ, અન્ય સરકારી લાભો અને ડાબા હાથની કમાણી અલગ. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે, વર્ષ 2025 માટે સરકારમાં કચેરીઓનું જે કામપત્રક જાહેર થયું છે- એ પણ જાણવાલાયક છે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ-GADએ જાન્યુઆરીથી ડિસેમ્બરના 12 મહિનાઓમાં વિવિધ વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલાં 42 મેળાઓ, મહોત્સવો અને પર્વ ઉજવણીઓ સંબંધે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ વાર્ષિક આયોજનને પરિણામે સરકારની વિવિધ કચેરીઓ વર્ષના 365 દિવસ દરમિયાન 156 દિવસ લોકોના કામોથી અળગી રહેશે, તે નક્કી થઈ ગયું છે.
વર્ષ દરમિયાન સરકાર 42 મેળાઓ અને મહોત્સવ ઉજવશે. વર્ષમાં સરેરાશ બાવન રવિવારની રજાઓ. બીજા અને ચોથા શનિવારની 26 રજાઓ. પર્વ અને તહેવારોની કુલ 24 રજાઓ અને સરકારમાં મળતી કુલ 12 CL. આ ઉપરાંત સરકારી મેળાઓ અને મહોત્સવો માટે અધિકારીઓ અને કર્મચારીઓ મિટિંગો કરશે અને તૈયારીઓ કરશે, એ દિવસોમાં પણ કચેરીઓમાં લોકોના કામો ટલ્લે ચડશે- એ વધારાની ખોટ.
સરકાર ગતિશીલ છે એમ જે કહેવાય રહ્યું છે, તેમાં આ બધી બાબતો અવરોધરૂપ બની શકે છે. કચેરીઓમાં પેન્ડિંગ કામોની સંખ્યા વધી જશે. લાખો કરોડો લોકોની હાલાકીઓ વધશે. નિર્ણયોમાં વિલંબ વધશે. વિકાસકામોને વારંવાર બ્રેક લાગશે. અને, મેળાઓ તથા મહોત્સવો અને મિટિંગ તથા તૈયારીઓ માટે- સરકારની તિજોરીમાંથી લખલૂંટ ખર્ચ થશે, એ અલગ. કામોના બિલોમાં લાલિયાવાડીઓ અને ભ્રષ્ટાચારનો તો કોઈ હિસાબ પણ કરતું નથી.
2025 દરમિયાન જાનયુઆરીમાં પતંગ મહોત્સવ, વાઈબ્રન્ટ ગુજરાત, કરૂણા અભિયાન, ખેલ મહાકુંભ, પ્રજાસતાક દિવસની ઉજવણી, નવેમ્બરમાં તાનારીરી, કૃષિ મહોત્સવ, શામળાજીનો મેળો, ચિંતન શિબિર, રણોત્સવ, સંવિધાન દિવસ અને શાળા આરોગ્ય ચકાસણીઓ- આમ આ 2 મહિનામાં જ 42 પૈકી 12 મહોત્સવ.
એપ્રિલમાં એકેય ઉજવણી નથી. મે-જૂલાઈમાં એક એક ઉજવણી. મોટાભાગના મહોત્સવ એક કરતાં વધુ દિવસના છે. તેનું જ્યાં જ્યાં આયોજન થશે, ત્યાં ત્યાં સ્થાનિક તંત્રોની કામગીરીઓ પર તેની અસરો થશે. ટૂંકમાં, વર્ષના 365 દિવસ દરમિયાન 209 દિવસ કચેરીઓમાં કામ થશે, તે દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ માંદગીની રજાઓ તથા હક્ક રજાઓ પણ ભોગવી શકશે.(file image)