Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર રાજ્યમાં રખડતાં પશુઓ, બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિકની અનેક સમસ્યાઓને કારણે કરોડો લોકો પરેશાન થઈ રહ્યા હોય, રાજ્યની વડી અદાલતમાં આ બધી બાબતો સંબંધે અદાલતના તિરસ્કારની અરજીની સુનાવણીઓ ઘણાં સમયથી ચાલી રહી છે. જેમાં જાણવા મળે છે કે, હવે એકશનનો સમય પાકી ગયો છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ બધી સમસ્યાઓ અંગે એક કરતાં વધુ વખત સરકારને તથા અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓને આદેશો આપવામાં આવેલાં છે. આમ છતાં રાજ્યની પરિસ્થિતિઓમાં કોઈ જ ફરક પડ્યો નથી. આથી વડી અદાલતે અધિકારીઓની બેદરકારીઓ પ્રત્યે સખત નારાજગી વ્યકત કરી છે. વડી અદાલતના હુકમની તિરસ્કાર અરજી પરની સુનાવણીમાં અદાલતે અવલોકન કર્યું કે, બેજવાબદાર અધિકારીઓના કારણે કાયદાનું પાલન ન થાય, તેવું ચલાવી લેવામાં આવશે નહીં. આ મામલાની વધુ સુનાવણી આવતીકાલે 17 જૂલાઈએ થશે.
મીડિયા અહેવાલોની ગંભીર નોંધ લેતાં વડી અદાલતે જણાવ્યું કે, અત્યાર સુધીના પ્રોગ્રેસ રિપોર્ટ પણ જમા કરાવવામાં આવ્યા નથી. જે કોર્ટની નારાજગીનું મુખ્ય કારણ છે. તેથી જવાબદાર અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહીઓ થઈ શકે છે.
ઘણાં લાંબા સમયથી રાજ્યના અનેક શહેરોના અસંખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. રખડતાં પશુઓને કારણે અકસ્માતો થઈ રહ્યા છે. આ અકસ્માતોમાં લોકોના મોત પણ થઈ રહ્યા છે. આ ઉપરાંત અનિયંત્રિત ટ્રાફિકને કારણે તેમજ પાર્કિંગની તકલીફોને કારણે રાજ્યમાં લાખો લોકો ત્રસ્ત છે. આ તમામ બાબતો અંગે નાગરિકો દ્વારા અનેક રજૂઆતો થયા બાદ પણ સ્થિતિઓમાં કોઈ જ સુધારો આવ્યો નથી. હવે અદાલતના કડક વલણ પરથી દેખાઈ રહ્યું છે કે, આ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ થઈ શકે છે.