Mysamachar.in: અમદાવાદ:
જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં વર્ષોથી GST લાગુ કરવામાં આવ્યો છે, આમ છતાં આ ટેક્સ સંબંધિત વિવાદો નિવારવા માટે, આટલાં વર્ષોથી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી ન હોય, લાખો-કરોડો કરદાતાઓ વર્ષોથી હાલાકીઓનો સામનો કરી રહ્યા છે, અચરજની વાત એ છે કે, વેપાર ઉદ્યોગ સંગઠનો આ દિશામાં, આટલાં વર્ષોમાં કશું કરાવી શક્યા નથી. હવે એક તરફ, લોકસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે, પાટનગર દિલ્હીથી એવો અહેવાલ પ્રગટ થયો છે કે, 01-04-2024થી અમલી બની રહે તે રીતે દેશભરમાં GST ટ્રિબ્યુનલ શરૂ કરવા સરકારે કવાયત હાથ ધરી છે. એવું પણ બની શકે કે, ચૂંટણીઓ બાદ આ મુદ્દો ફરીથી વિલંબમાં પણ પડી શકે.
અત્રે ઉલ્લેખનિય છે કે, GST તંત્રમાં કરદાતાઓ અને અધિકારીઓ વચ્ચે લાખો કરવિવાદો ચાલી રહ્યા છે, ટ્રિબ્યુનલની વર્ષોથી રચના જ ન થઈ હોય, અધિકારીઓ દાદાગીરી ચલાવી રહ્યા છે, કરદાતાઓને દબડાવી-ધમકાવી રહ્યા છે, આડેધડ એસેસમેન્ટ કરી રહ્યા છે, નોટિસો ફટકારી રહ્યા છે, સર્વે- સર્ચ અને દરોડા દરમિયાન કરદાતાઓને માનસિક રીતે પરેશાન કરી રહ્યા છે, કરદાતાઓને બચાવની તક આપ્યા વિના ધરપકડો કરવામાં આવી રહી છે, GST અધિકારીઓ મોટું સામ્રાજ્ય ભોગવી રહ્યા હોય અને કરદાતાઓ બાપડી રૈયત હોય, એવો તાલ GST અમલમાં આવ્યો ત્યારથી બધે જ જોવા મળે છે, આમ છતાં વેપાર ઉદ્યોગ સંગઠનોએ ક્યારેય કરદાતાઓના હિતોની રખેવાળી માટે બાંયો ચડાવી નથી.
હવે, દિલ્હીથી પ્રગટ થયેલો એક અહેવાલ કહે છે: દેશભરમાં GST ટ્રિબ્યુનલની રચના માટેની કવાયત સરકારે શરૂ કરી દીધી છે. પ્રિન્સિપલ ટ્રિબ્યુનલ દિલ્હીમાં રહેશે. દેશના ગુજરાત સહિતના 31 રાજ્યોમાં સ્ટેટ લેવલની બેન્ચ કાર્યરત કરવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં ટ્રિબ્યુનલ શરૂ થઈ શકે છે. આ માટે દરેક ટ્રિબ્યુનલમાં પ્રિન્સિપલ જજ, જ્યુડિશિયલ મેમ્બર અને ટેક્નિકલ મેમ્બરની નિમણૂંક માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જો કે આ નિમણૂંકોમાં લાંબો સમય પસાર થઈ શકે છે. હાલમાં ટ્રિબ્યુનલના અભાવે કરદાતાઓ પરેશાન છે. વિવાદી કેસોમાં કરદાતાઓ પર 200 ટકા પેનલ્ટી અને વ્યાજનો હિસાબ કરી, મૂળ રકમના 20 ટકા એડવાન્સ ભરી કેસને અદાલતમાં લઈ જઈ શકાય છે પરંતુ હાલ આ કામ માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ધક્કાફેરા લગાવવા પડે છે. હાલમાં આ પ્રકારના અપીલના ઘણાં કેસોમાં કરદાતાઓની ITC તથા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતાં હોય, કરદાતાઓની ધંધાની મોટી રકમો બ્લોક થઈ જતી હોય છે. કરદાતાઓ અપેક્ષાઓ રાખી રહ્યા છે કે, ટ્રિબ્યુનલ તાકીદે શરૂ થાય.