Mysamachar.in-અમદાવાદ:
ઉનાળો ચાલી રહ્યો છે એટલે ગરમી તો થાય, પરંતુ થોડી ઠંડક અને રાહત મળે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એક તરફ સરકાર અને હોસ્પિટલ તંત્રો ગરમીના કારણે પરેશાન થતાં લોકોને મદદરૂપ થવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે, બીજી તરફ હવામાન વિભાગની આગાહી કહે છે, પરસેવો ઓછો સતાવે એવી પણ શકયતાઓ છે, જો કે બફારો તો પણ રહેશે.
હવામાન વિભાગ કહે છે: રાજ્યમાં પવનની દિશા બદલાતાં આગામી ચાર દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળવા સંભવ છે. મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ એવું બની શકે છે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશા તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં આગામી સમયમાં મહત્તમ તાપમાન થોડું ઓછું રહે, ઘટે એવી સંભાવનાઓ છે.
જો કે સાથેસાથે હવામાન વિભાગ એમ પણ કહે છે કે, હાલમાં એન્ટિ સાયકલોનિક સરકયુલેશન સિસ્ટમ પણ છે જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી પણ શકે. હાલમાં લોકો આવા કારણોસર ઉકળાટ અને બફારો અનુભવી રહ્યા છે. આ સ્થિતિમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે હવામાન વિષે જાણકારીઓ આપી છે.
હવામાન વિભાગ કહે છે: રાજ્યમાં આગામી ચાર દિવસ બાદ પવનની દિશા બદલાવાને કારણે ગરમીમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. મહત્તમ તાપમાન સામાન્ય નીચું જવા સંભવ છે. આ સ્થિતિમાં પણ સૌરાષ્ટ્રમાં પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓમાં હીટવેવની સંભાવનાઓ છે.
હવામાન વિભાગ કહે છે: સૌરાષ્ટ્રમાં એકંદર હોટ એન્ડ હ્યુમિડ સ્થિતિ રહી શકે છે, આગામી સોમવાર બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનમાં બેત્રણ ડિગ્રીનો ઘટાડો આવી શકે પરંતુ તે બાદ ધીમે ધીમે મહત્તમ તાપમાન વધવા સંભવ છે. કાળઝાળ ગરમીથી બચવા ભીનાં કપડાંનો ઉપયોગ કરવો. લૂ લાગી હોય તે વ્યક્તિના માથાં પર સાદું પાણી રેડવું. ORS તથા લીંબુ સરબતનો ઉપયોગ કરી શકાય. શરીરનું તાપમાન એકધારૂં વધે, માથાનો દુ:ખાવો રહે, ચક્કર આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર પહોંચવું. નબળાઈ અનુભવાય કે ઉલટી થાય તો તાત્કાલિક ઉપાય કરવો.