Mysamachar.in-વલસાડ
રાજ્યમાં ઠેર ઠેર વિવિધ બેન્કોના એટીએમ સેન્ટરો આવેલા છે, પરંતુ આ એટીએમ સેન્ટરોમાં સુરક્ષા કેટલી તેના પર અવારનવાર સવાલો કેટલીય એવી ઘટનાઓ સામે આવે છે જેને લઈને ઉઠતા જ રહે છે, એવામાં વલસાડના વાપી ચારરસ્તા નજીક મોડી રાત્રે એટીએમ કેબિનમાં પ્રવેશી સીસીટીવી તોડીને મશીનમાં તોડફોડ કરી રૂપિયા કાઢવાના પ્રયાસમાં અંદર લગાવેલ સાયરન અચાનક જોરથી વાગતા આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જે બાદ એલસીબીએ બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ વાપી સેલવાસ રોડ સ્થિત આઇડીએફસી ફર્સ્ટ બેંક બહાર એક એટીએમ મશીનમાં શુક્રવારે 1.12 કરોડ રૂપિયા લોડિંગ કરાયો હતો. રવિવારે રાત્રે બે ઇસમો એટીએમ કેબિનમાં પ્રવેશી પહેલા સીસીટીવી કેમરાને તોડી દીધા બાદ મશીનને સ્ક્રૂથી તોડવાનો પ્રયાસ કર્યો હતો. અને મોડી રાત્રે મશીનમાંથી રૂપિયા કાઢવા તેમણે અનેક પ્રયાસો કર્યો હતા. જોકે તેમાં નિષ્ફળ જતા અને અંદર લગાવેલ સાયરન અચાનક જોરથી વાગતા તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જેની ફરિયાદ મેનેજરે ટાઉન પોલીસ મથકમાં કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે બે શકમંદ ઇસમોને પકડી પાડી પૂછપરછ કરતા તેમણે એટીએમ તોડવાની કબૂલાત કરી હતી.
આરોપી સન્ની દેવલ ઉર્ફે સાજન કુશવાહા રહે.વાપી કોળીવાડના ખિસ્સામાંથી 2 મોબાઇલ અને વાંકુવળી ગયેલું ડીસમીસ તેમજ આરોપી મકસુદ આલમ મહેબુબ સીદ્દીકી રહે.ગીતાનગર રઝા મસ્જીત મરીયમ ચાલની ગલીમાં પાસેથી એક ફોન મળી કુલ રૂ.6000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. બન્નેની પૂછપરછમાં તેવોએ ત્રણ દિવસ પહેલા રાતના બાર વાગ્યા પછી તેઓ રૂપિયા કાઢવાના ઇરાદે સીસીટીવી તોડી નાંખી ડીસમીસથી એટીએમ મશીન તોડી રહ્યા હતા. જેમાં ડીસમીસ ફસાઇ જતા તે કાઢતી વખતે જોરથી સાયરન વાગતા ગભરાઇને તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હોવાની કબુલાત આપતા પોલીસે જરૂરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.