Mysamachar.in:રાજકોટ
જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં રોજગારીનો મુદ્દો અને આર્થિક ખેંચથી થતાં યુવાનોનાં આપઘાતનાં કિસ્સાઓની ચર્ચા વચ્ચે, બેરોજગારી ક્યાંય છે જ નહીં – એવો દાવો ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા કરવામાં આવ્યો છે અને તેઓએ વિપક્ષ પર પણ આ મુદ્દે નિશાન તાક્યું છે.રાજકોટમાં સ્થાનિક સ્તરે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું. સમજી શકાય તેવી બાબત છે કે, રોજગાર મેળાઓ બેરોજગારોને રોજગારી મળે તે હેતુથી સરકાર દ્વારા રાજ્યભરમાં યોજવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં બેરોજગારો ઉમટી પડતાં હોય છે. જો કે મોટેભાગે આ પ્રકારના મેળાઓમાં યુવક અથવા યુવતીઓને ખાનગી કંપનીઓમાં સામાન્ય નોકરીઓ મળતી હોય છે. આ નોકરીઓ કાયમી ધોરણે સુરક્ષિત પણ નથી હોતી છતાં શિક્ષિત બેરોજગારો આ પ્રકારના મેળાઓમાં ઉમટી પડતાં હોય છે.
રાજકોટમાં આ પ્રકારના એક રોજગાર મેળામાં રાજ્યસભાના ભાજપાનાં સાંસદ રામ મોકરિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું : ક્યાંય બેરોજગારી છે જ નહીં, ઘરોમાં કામવાળીઓ અને ઓફીસોમાં પટાવાળાઓ મળતાં નથી. વાડીખેતરોમાં કામો કરવા માટે ખેતમજૂરો પણ મળતાં નથી. બેરોજગારી જેવું કશું છે જ નહીં. વિપક્ષ બેકારી મુદ્દે ખોટી રાડારાડ કરે છે. તેઓએ એમ પણ કહ્યું કે, સરકારી નોકરીઓ બધાંને નથી મળતી પરંતુ ખાનગી ક્ષેત્રોમાં પુષ્કળ નોકરીઓ ઉપલબ્ધ છે. બેરોજગારી જેવું કશું ક્યાંય છે જ નહીં, એમ પણ તેઓએ જણાવ્યું.
સરકારી રોજગાર મેળામાં સાંસદ દ્વારા આપવામાં આવેલા આ નિવેદનને પગલે, રાજ્યભરમાં રોજગારી અને બેકારી સહિતની બાબતો વધુ એક વખત ચર્ચાનો વિષય બની છે. આગામી દિવસોમાં સાંસદનું આ નિવેદન વધુ વિવાદો સર્જે તેવી પણ શક્યતા છે કેમ કે નિવેદન જ રોજગારી મેળામાં આપવામાં આવ્યું છે ! જ્યાં બેરોજગારોની ફૌજ ખાનગી અને સામાન્ય નોકરી માટે ઉમટી પડી હતી !અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન દ્વારા થોડાં થોડાં સમયે નોકરીનાં પ્રમાણપત્રો વિતરણના કાર્યક્રમો દેશમાં વિવિધ સ્થળોએ યોજાતા રહે છે. આજે મંગળવારે પણ વડાપ્રધાનનાં હસ્તે યોજાયેલાં આ પ્રકારના એક કાર્યક્રમનો સાંસદે પોતાના આ નિવેદન સમયે ઉલ્લેખ કર્યો હતો અને પત્રકારોને જણાવ્યું હતું કે – ગુજરાત અને દેશમાં ક્યાંય, બેરોજગારી છે જ નહીં. કામો માટે માણસો મળતાં નથી.