Mysamachar.in-અમદાવાદ:
આપણો સૌનો ભૂતકાળનો અતિ કડવો અને પ્રાણઘાતક અનુભવ એવો રહ્યો છે કે, કોઈ પણ વ્યક્તિ – ખાસ કરીને સરકાર કોરોનાની વાત કરે એટલે દેશવાસીઓ ધ્રૂજી જાય. પરંતુ આ વખતે, અત્યારે કોરોનાનાં નામથી ધ્રૂજી ઉઠવાની જરૂર નથી. ખતરો પણ નથી, વેવ પણ નથી. માત્ર તરંગ છે, જે ઉઠીને શમી પણ જાય. આવું એક મોટાં નિષ્ણાતે કહ્યું છે.
એક તરફ ચીનનાં સમાચારો લોકોને કોરોના મુદ્દે ફફડાવી રહ્યા છે. અન્ય કેટલાંક દેશોમાં પણ કોરોના સ્થિતિ ચિંતાજનક છે જ. બીજી બાજુ ભારતમાં પણ માસ્ક અને સામાજિક અંતર અને કોરોના ગાઈડલાઈન અને એડવાઈઝરી જેવાં શબ્દો લોકોને ધ્રૂજાવી રહ્યા છે. સરકાર પણ નિવેદનો આપી રહી છે. તેથી સર્વત્ર એક પ્રકારનો હોબાળો અને રઘવાટ છે. જો કે શનિવારે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી દીધી છે કે, કડક નિયંત્રણોની જરૂર નથી. આ નિવેદનથી કરોડો લોકોને રાહત મળી.
આજે સોમવારે એવો રિપોર્ટ પ્રગટ થયો છે કે, ભારતમાં ખતરો કે કોરોના લહેર નથી. છૂટાંછવાયાં કેસોમાં જે લોકો પોઝિટિવ જાહેર થાય છે તેઓને પણ એકાદ બે દિવસ પૂરતી શ્વાસમાં સામાન્ય તકલીફ રહે છે, જેનો ઉપાય દવા અને કાળજી છે. ગભરાઈ જવાની જરૂર નથી એમ ડો. વી. રવિએ જણાવ્યું છે. ડો. રવિ બેંગલોર ખાતેનાં ટાટા મેડિકલ એન્ડ ડાયાગ્નોસિસીસમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગનાં વડા અને વાયરોલોજી ક્ષેત્રમાં તજજ્ઞ છે. તેઓનાં મતે, ભારતમાં ચાઈનીઝ વાયરસ BF.7 ઘાતક નથી. કોરોના ભારતમાં મોજું કે વેવ નથી, માત્ર તરંગ છે. સામાન્ય બિમારી છે. જેનો ઉપાય શક્ય છે. તેઓએ કહ્યું: હાલનાં વાયરસથી ભારતમાં કોરોનાવેવ શક્ય નથી. ચીનની વાત અલગ છે.
નિષ્ણાતો કહે છે: વાયરસ માઈલ્ડ છે. ભારતીય લોકો વેક્સિન વગેરેને કારણે સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. દર્દીઓની સંખ્યા પણ એકદમ સામાન્ય છે. બચાવાત્મક પગલાંથી સ્થિતિ એકદમ નિયંત્રણમાં લેવી ભારતમાં હાલ શક્ય છે. પેનિક ફેલાવવાની આવશ્યકતા નથી. જરૂર જણાય ત્યાં માસ્ક ધારણ કરીએ, સામાજિક અંતર જાળવીએ અને સ્વસ્થ રહીએ એટલું કાફી છે.