Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ નજીકના દિવસોમાં પૂર્ણ થઈ રહી હોય, નવા હોદ્દેદારોની ચૂંટણીઓ માટેની પ્રક્રિયાઓ સમિતિએ શરૂ કરી છે. આ પ્રક્રિયાઓ શરૂ થતાં જ સતાધારી પક્ષના 4 સભ્યોના નામો નવા હોદ્દેદારોની રેસમાં દોડવાનું શરૂ થયું છે.
સમિતિના અધ્યક્ષની સૂચનાથી શાસનાધિકારી દ્વારા આ ચૂંટણીઓ માટે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે- આગામી 15 ઓક્ટોબરે સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનના હોદ્દાઓની અઢી વર્ષની અવધિ પૂર્ણ થઈ રહી છે. આ હોદ્દાઓ ધારણ કરવા ઈચ્છતા સભ્યો 14 ઓક્ટોબરે નોમિનેશન ફોર્મ મેળવી શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે, એક ડઝન સભ્યો ધરાવતી આ સમિતિમાં શાસકપક્ષના 10, વિપક્ષના 1 અને સરકારના 1 નોમિનેટેડ સભ્યોનો સમાવેશ થાય છે.

વર્તમાન ચેરમેન મનિષ કનખરા અને નાયબ અધ્યક્ષા પ્રજ્ઞાબા સોઢાનો કાર્યકાળ 15 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યો છે. એમ માનવામાં આવે છે કે, શાસકપક્ષ તરફથી આ ચૂંટણીઓ માટે મેન્ડેટ આપવામાં આવશે. દરમિયાન, સમિતિના 4 સભ્યો પરસોતમ કાકનાણી, દિનેશ આલ, મુકેશ વસોયા અને પૂર્વ શિક્ષક રમેશ કંસારાના નામો નવા હોદ્દેદારોની રેસમાં દોડતાં થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશનની આ શિક્ષણ સમિતિ શહેરની 44 પ્રાથમિક શાળાઓનું સંચાલન કરે છે અને જંગી સ્ટાફ ધરાવે છે. આ સમિતિમાં હોદ્દાઓ ધારણ કરવા દર વખતે સારી એવી રસાકસી જોવા મળતી હોય છે.
