Mysamachar.in:ગાંધીનગર:
ભારત સરકારના વાહનવ્યવહાર વિભાગને ટાંકીને બહાર પડેલાં એક અહેવાલમાં જણાવાયું છે કે, આગામી 1 જૂનથી તમામ પ્રકારના વાહનો માટેની ડ્રાઇવિંગ ટ્રેનિંગ અને ટેસ્ટ તથા ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટનું પરિણામ જાહેર કરવા સહિતની કામગીરીઓ ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર સંભાળશે. પરંતુ આ અહેવાલ પ્રગટ થતાં જ રાજ્યના વાહનવ્યવહાર વિભાગમાં સળવળાટ થયો છે. આ વિભાગને ટાંકીને પ્રગટ થયેલો અહેવાલ કહે છે, 1 જૂનથી આમ થવું શક્ય નથી.
સરકાર પક્ષે ગમે તે જાહેરાતો થતી રહે ગુજરાતમાં કયાંય ડ્રાઇવિંગ ટ્રેનિંગ માટે ખાનગી ડ્રાઇવિંગ ટ્રેક ઉપલબ્ધ છે જ નહીં. ઉપરાંત નવા નિયમો મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ માટેની આટલી લાંબી ટ્રેનિંગ, ટ્રેક વિકસાવવા, આટલી વિશાળ જગ્યાઓ ભાડે અથવા વેચાણથી મેળવવી વગેરે બાબતો હાલ શક્ય ન હોવાથી, 1 જૂનથી આ ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરનો કોન્સેપ્ટ ગુજરાતમાં શક્ય જણાતો નથી.
દરમિયાન, રાજ્યમાં ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ચલાવતી સ્કૂલોના સંચાલકોનું એસોસિએશન કહે છે: સરકારના આયોજન મુજબ ખાનગી ટ્રેક, તાલીમ સેન્ટર, વિશાળ જગ્યા એમ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા નવા સાહસિકે આ માટે એક સેન્ટર શરૂ કરવા રૂ. 25-30 કરોડનું રોકાણ કરવું પડે જે હાલની ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ માટે શક્ય નથી, તેથી સરકારના આ કોન્સેપ્ટથી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ વ્યવસાય પર ખતરો મંડરાયો છે. આ પ્રકારના ટ્રેનિંગ સેન્ટર સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું માત્ર કોર્પોરેટ હાઉસને જ પોસાય.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં થોડાં મહિનાઓ અગાઉ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વાહનોની ફીટનેસની ચકાસણીઓ માટેના ખાનગી વાહન ફીટનેસ શરૂ થયા છે. આ ફીટનેસ સેન્ટરોમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ધમધમે છે. રાજ્યનો વાહનવ્યવહાર વિભાગ આ દૂષણ અંગે હજુ સુધી કોઈ પગલાં ભરી શક્યો નથી, આ પ્રકારની અંધાધૂંધ સ્થિતિમાં ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરને જવાબદારીઓ સોંપવાની સરકારની હિલચાલ વિરોધ જન્માવી રહી છે.