Mysamachar.in:અમદાવાદ
રોગચાળો હજારો લોકો માટે શ્રાપ પૂરવાર થતો હોય છે પરંતુ ગુનાહિત માનસ ધરાવતાં લોકો રોગચાળો ફાયદો શું કરાવી આપે ?! તે દિશામાં વિચારતાં હોય છે અને, આવો ગેરલાભ ઉઠાવવા તેઓ કુંડાળા પણ ચિતરતા હોય છે. આવું એક કુંડાળું એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી એક નર્સે ચિતરી તો લીધું પણ અંતે પકડાઈ પણ ગઈ ! આ નર્સ અમદાવાદની છે. ‘સાલ’ હોસ્પિટલમાં નોકરી કરે છે. તેણીનું નામ શીતલ પટેલ છે. શીતલે તથા તેણીનાં ભાઈએ બિમારીઓના નામે મેડિકલ કલેઈમનાં નાણાં ગજવામાં સરકાવવા ‘ખોટી’ બિમારીનું રેકર્ડ ઉભું કર્યું. વીમા કંપનીએ આ મેડિકલ કલેઈમનાં નાણાં પણ ચૂકવી દીધાં. આથી ભાઈબહેનનો ઉત્સાહ વધ્યો ! અને, નવી બિમારી તથા નવા કાગળો અને વધુ એક મેડિકલ કલેઈમ રજૂ કર્યો !
તે દરમિયાન વારંવાર મેડિકલ કલેઈમનાં નાણાં ચૂકવી રહેલી વીમા કંપનીને શંકા ગઈ. કારણ કે, આ બંને ભાઈબહેન મધ્યપ્રદેશની એક જ હોસ્પિટલમાં વારંવાર જુદી જુદી બિમારીઓ માટે ‘સારવાર’ લેતાં હતાં. અને, કલેઈમ પકવતાં હતાં ! તેમાં જો કે, તે હોસ્પિટલની પણ સામેલગીરી હોય શકે છે. વીમા કંપનીએ શંકાના આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, જે દિવસોમાં આ નર્સ મધ્યપ્રદેશની હોસ્પિટલમાં સારવાર લેતી હતી તે જ દિવસો દરમિયાન તેણીની હાજરી અમદાવાદની ‘સાલ’ હોસ્પિટલમાં રેકર્ડ પર જોવા મળી !! અને, આવું એક કરતાં વધુ વખત થયું !
અંતે, આ આખા કાવતરાંનો પર્દાફાશ થયો. આ ભાઈબહેને ડેન્ગ્યુ, ન્યૂમોનિયા, કોવિડ વગેરે બિમારીઓ આ કાગળો પર ચિતરી હતી ! ગત્ ગુરૂવારે અમદાવાદનાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ નર્સ શીતલ પટેલ તથા તેનાં ભાઈ પ્રતિક પરીખ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બંને ભાઈબહેને ખોટાં મેડિકલ કાગળો રજૂ કરી, લાખ્ખો રૂપિયા વીમા કંપની પાસેથી કટકટાવી લીધાં. આ ફરિયાદ ICICI Lombard insurance company નાં ગુજરાત વાઈસ પ્રેસિડેન્ટ મનોજ શાહ દ્વારા નોંધાવવામાં આવી છે.