Mysamachar.in-ગાંધીનગરઃ
છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં હોય, જેમાં સિક્સ લેન હાઇવેનો પ્રોજેક્ટ હોય કે પછી બંદરોને જોડવાનો હોય, પરંતુ ગુજરાતને વધુ ઝડપી બનાવવાના ક્ષેત્રે રાજ્ય સરકારે વધુ એક પ્રોજેક્ટને મંજુરીની મહોર લગાવી દીધી છે. આ પ્રોજેક્ટ છે અમદાવાદથી રાજકોટ સુધી હાઇસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ…નેશનલ હાઈવે નંબર 47ની બાજુમાં જ ટ્રેન કોરિડોર બનશે જેમાં 160 કિમીની ઝડપે ટ્રેન દોડશે. જેનો સીધો ફાયદો અમદાવાદથી રાજકોટ જતા મુસાફરો કે વેપારીઓને જેઓ માત્ર 2 કલાકના સમયગાળામાં અમદાવાદથી રાજકોટ પહોંચી શકશે. આ પ્રોજેક્ટનો ફાયદો માત્ર અમદાવાદથી રાજકોટ જિલ્લાને જ નહીં પરંતુ જામનગર સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને લાભ મળશે.
અમદાવાદથી રાજકોટ હાઇસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે, આ માટે સૌપ્રથમ જમીન સંપાદનને લઇને સરવે હાથ ધરાશે, જો જમીન સંપાદનમાં કોઇ મુશ્કેલી નહીં આવે તો ઝડપથી આ પ્રોજેક્ટ તૈયાર થઇ જશે. આ પ્રોજેક્ટ માટે 11300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચાનો સામવેશ થાય છે. આ પ્રોજેક્ટથી આગામી 30 વર્ષ સુધી 2300 ડાઈરેક્ટ અને 7300 ઈનડાયરેક્ટ નોકરીઓની તકો સર્જાશે. તો આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારનાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે. જેના કારણે અમદાવાદ અને રાજકોટ વચ્ચે પેસેન્જર્સની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટની આસપાસના શહેરો જામનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને સોમનાથના વેપારીઓને સીધો ફાયદો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.