Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામાં રહેતા એક વૃદ્ધ દંપતી તેમનું રહેણાંક મકાન બંધ કરીને કચ્છ ગયા બાદ પાછળથી આ મકાનમાં ઘરફોડી થઈ હતી. જેમાં રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા 1.83 લાખનો મુદ્દામાલ ચોરાઈ ગયાનું પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખાના નવીનગરી વિસ્તારમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડની સામેના ભાગે રહેતા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી, વર્ષ 2014માં નિવૃત્ત થયેલા હિંમતલાલ ગોપાલભાઈ યાદવ નામના વૃદ્ધ તેમના પત્ની ભારતીબેન સાથે ગત તારીખ બીજી એપ્રિલના રોજ સવારના સમયે તેમના સસરાના ઘરે કચ્છ ખાતે ગયા હતા. જે અંગેની જાણ તેમના દ્વારા પરિચિત એવા એક-બે વ્યક્તિઓને પણ કરવામાં આવી હતી.
કચ્છથી તેઓ તારીખ 10 એપ્રિલના રોજ સવારના સમયે ઓખા ખાતે તેમના ઘરે પરત ફર્યા હતા, ત્યારે તેમને રસોડામાં આવેલી બારીનો સળીયો તૂટેલો જોવા મળ્યો હતો અને લોખંડની ઝારી નીકળી ગયેલી હાલતમાં નીચે પડેલી જોવા મળી હતી. બાદમાં તેઓએ અંદર જઈને જોતા તેમના ઘરના ખુલ્લા કબાટ તેમજ માલસામાન વેર વિખેર સાંપળતા કોઈ શખ્સોએ તેમના ઘરે ચોરી કર્યાનું ખુલવા પામ્યું હતું. જે અંગે તેઓએ જોતા તેમના દ્વારા જુદા જુદા કબાટમાં રાખવામાં આવેલા કુલ રૂપિયા 90,000 રોકડા તથા સોનાનો ચેન, સોનાનો હાર, ચાંદીના સાકરા, પગમાં પહેરવાની માછલી વિગેરે મળી કુલ રૂપિયા 93,000 ની કિંમતના સોના-ચાંદીના દાગીના પોતાના ઘરમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આથી કુલ રૂપિયા 1.83 લાખના મુદ્દામાલની ચોરી થવા સબબ ઓખા મરીન પોલીસ મથકમાં હિંમતલાલભાઈ યાદવે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસ ગુનો નોંધી અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.