Mysamachar.in:જામનગર
શિયાળાની કાતિલ ઠંડીમાં સૌ મીઠી ઉંઘ માણી રહ્યા હોય છે ત્યારે તસ્કરો ‘રાતપાળી’ કરી, ધનલાભ મેળવી લેતાં હોય છે ! જામજોધપુર પંથકમાં આવા બે બનાવો નોંધાયા છે, જેમાં તસ્કરો રૂ. 4,18,460 નો ધનલાભ કરી જતાં રહ્યા છે. કુલ બે વેપારીઓએ પોલીસમાં આ ફરિયાદો નોંધાવી છે.જામજોધપુર નજીકનાં ગોપ પાટીયા પાસે આવેલી એક મોબાઇલ શોપના સંચાલકે પોલીસમાં જાહેર કર્યું છે કે, ત્રીજી તારીખની રાત્રિનાં સાડા આઠ વાગ્યાથી માંડીને ચોથી તારીખની સવારનાં સાડા સાત વાગ્યા સુધીમાં, તેની દુકાનનાં શટરનુ એક સાઈડ નું તાળું તોડી શટર ઉંચકાવી દુકાનમાંથી નવાજૂના કુલ 11નંગ મોબાઈલ ચોરી ગયું છે. જેની અંદાજિત કિંમત રૂ. 80,060 લખાવવામાં આવી છે.
આ મોબાઇલ ચોરીની ફરિયાદ ગોપના રહેવાસી એવા વેપારી કિશન વીરાભાઈ નંદાણિયાએ નોંધાવી છે.આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સમાણા ગામની મુખ્ય બજારમાં પણ ચોરી થઇ છે ! અતુલ જ્વેલર્સ નામની સોનાચાંદીની દુકાનનાં માલિક અતુલભાઈ સુભાષભાઈ ભીંડીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની દુકાનમાંથી ત્રીજી તારીખે રાત્રિથી સવાર સુધીમાં સોનાચાંદીના દાગીના તથા સોનાનો ભંગાર વગેરે મળી કુલ રૂ. 3,38,400 નાં મુદ્દામાલની ચોરી થઇ છે. જે ચીજો ચોરાઈ ગઈ છે તેમાં સોનાચાંદીની બંગડીઓ, કડલીઓ, પોચીઓ તથા લક્કીઓ વગેરેનો સમાવેશ થાય છે. તસ્કરોએ દુકાનની બારી તથા ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ લીધો હતો એમ ફરિયાદમાં જણાવાયું છે.જામજોધપુર પંથકમાં ગોપ-સમાણા વિસ્તારોમાં એક જ રાતમાં બે સ્થળે સફળ રીતે ત્રાટકેલા તસ્કરોએ મચાવેલા તરખાટને કારણે પોલીસને દોડધામ થઇ પડી છે. અને, વેપારીઓમાં અસલામતીની લાગણી જોવા મળે છે.