Mysamachar.in:રાજકોટ
સરકારી યોજનાઓમાંથી સાચી રીતે અને એ ઉપરાંત ખોટી રીતે કમાઈ કેમ લેવું ?! એ માટેની અલગ અલગ ચેનલો ગુજરાતમાં વર્ષોથી કાર્યરત છે ! અરે, ભૂકંપ અને વાવાઝોડાં કે કમોસમી વરસાદ રાહત નુકસાની સહાય યોજનાઓમાંથી પણ કમાઈ લેનારા ખોટી રીતે કમાઈ લ્યે છે ! પછી આ નાણાંની રિકવરી કરવામાં સરકારને નાકે દમ આવી જાય છે. અને આ રીતે પ્રજાનું નાણું કૌભાંડીઓનાં ખિસ્સામાં સરકી જાય છે ! PM કિસાન સન્માન નિધિમાં પણ ગુજરાતમાં આમ બન્યું છે !
કાલે શુક્રવારે બપોરે રાજ્યનાં કૃષિમંત્રી અને જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય રાઘવજી પટેલે રાજકોટમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેઓએ પત્રકારોને વિવિધ મુદ્દાઓની માહિતી આપી હતી જેમાં PM કિસાન સન્માન નિધિમાં થયેલી ગેરરીતિઓનો મુદ્દો પણ સામેલ હતો. તેઓએ જણાવ્યું હતું કે, આ યોજનામાં જેઓએ ખોટી રીતે નાણાં મેળવી લીધાં છે તે ખેડૂતો પાસેથી આ નાણાંની રિકવરી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નોંધાયેલા ખેડૂતોની સંખ્યા કુલ 58 લાખ છે. જે પૈકી સાચાં ખેડૂતોની સંખ્યા 53.48 લાખ છે. એટલે કે, 4.52 લાખ ખેડૂતો ‘બોગસ’ છે ! આ બોગસ ખેડૂતો પણ સરકારની યોજનાનો લાભ જમી જાય છે ! આ બોગસ ખેડૂતો PM કિસાન સન્માન નિધિના રૂ.1,600 કરોડ લઈ ગયા છે ! આ બોગસ ખેડૂતોની ‘ખેડૂત’ તરીકેની રેકર્ડ પર નોંધણી કોણે કરી ?! એ પણ તપાસનો વિષય લેખાવી શકાય. અને આ બોગસ ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિના નાણાં ઉપરાંત સરકારની અન્ય ખેડૂતલક્ષી યોજનાઓનાં કયા કયા લાભો મેળવી લીધાં છે ?! એ પણ તપાસનો વિષય લેખાવી શકાય.
કેટલાંક કિસ્સાઓમાં મૃત્યુ પામેલા ખેડૂતોનાં નામે PM કિસાન સન્માન નિધિના નાણાં બોગસ ખેડૂતો જમી ગયા. હવે આ નાણાં તેઓ પાસેથી ઓકાવી શકાશે ?! કેટલાંક બોગસ ખેડૂતો એવાં પણ ધ્યાનમાં આવ્યા છે. જેઓએ પોતાની જમીન વેચી નાંખી હતી પછી પણ પીએમ કિસાન સન્માન નિધિના નાણાં મેળવી લીધાં ! એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે, જે લોકો 7/12 માં નામ નથી ધરાવતાં તેવા લોકો પણ આ સહાય યોજનાનાં નાણાં ખાઈ ગયા છે ! સ્થાનિક તંત્રોએ આ બધી બાબતોની ચકાસણી શા માટે નથી કરી ?! તે મુદ્દે તપાસ થવી જોઈએ.
સંબંધિત જિલ્લાઓના કૃષિવિભાગો અને દેખરેખ રાખનારા અધિકારીઓએ આ વિષયમાં બેકાળજી અથવા બેદરકારી શા માટે દાખવી ?! તેની પણ તપાસ થવી જોઈએ. કારણ કે સરકારી નાણું અંતે તો કરદાતા નાગરિકોનાં પૈસા છે. આવાં બોગસ ખેડૂતો અને તેઓને છાવરનારાઓ વિરૂદ્ધ સરકારી નાણાંની ઉચાપત અને છેતરપિંડીની ફોજદારી ફરિયાદ કરી શકાય કે કેમ ?! તે દિશામાં સરકારે આગળ વધવું જોઈએ, એમ પણ કેટલાંક જાણકારો કહી રહ્યા છે. આ ઉપરાંત પીએમ કિસાન સન્માન નિધિના નિયમો મુજબ જેઓ સમૃદ્ધ ખેડૂતો છે તેઓ આ નાણાં મેળવવા લાભાર્થી તરીકે હક્કદાર નથી છતાં આવાં ઘણાં સમૃદ્ધ ખેડૂતો પણ સરકારની આ યોજના અંતર્ગત નાણાં ગૂપચાવી ગયા છે ! આ પ્રકારના તત્વો વિરુદ્ધ પણ આકરી કાર્યવાહી થવી જોઈએ.