mysamachar.in-જામનગર
સરકાર એક તરફ જળસંચયની વાતો કરી લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે..બીજી તરફ જળસંચયના કેટલાક કામો છે કે જે અધૂરા પડ્યા છે.આવું જ એક જળસંચયનું અધુરૂ કામ જામનગર તાલુકાના વાણીયા વાગડીયા ગામ પાસે પણ અધૂરું રહ્યું છે,પંદર ગામને લાભ થઈ શકે તે હેતુથી પંદરેક વર્ષ પહેલા અહીં સિંચાઈ યોજનાના ડેમનું ખાતમૂહૂર્ત કરાયું હતું..પરંતુ, આજે પંદર વર્ષ બાદ પણ આ ડેમનું કામ પૂરું થયું નથી..છેલ્લા પંદર વર્ષથી અનેક નેતાઓના વાયદાથી કંટાળેલા ખેડૂતો હવે લડી લેવાના મૂડમા છે અને ડેમ સાઈટ પર આજથી ધરણા નો પ્રારંભ રોષિત ખેડૂતો દ્વારા કરી દેવામાં આવ્યો છે,
જામનગર તાલુકાના વાણીયા વાગડીયા ગામ પાસે આવેલો વાગડીયા સિંચાઈ યોજનાના ડેમનું કામ વર્ષ 2002માં ખાતમૂહૂર્ત કરવામા આવ્યું હતું..ત્યારબાદ ત્રણ વર્ષ કામ પણ ચાલ્યું હતું પરંતુ, વર્ષ 2005માં કોઈ કારણોસર ડેમનું કામ રોકી દેવામા આવ્યું હતું,ડેમનું કામ રોકાયાને આજે 13 વર્ષનો સમય વિતી ચૂક્યો છે,તેમ છતાં કોઈ કારણોસર ડેમનું કામ પૂર્ણ કરાતું નથી,જો આ ડેમનું કામ પૂર્ણ કરવામા આવે અને ડેમ ભરાઈ જાય તો આસપાસ આવેલા પંદર જેટલા ગામની જમીન અને ખેતી સમૃદ્ધ થાય તેવો દાવો સ્થાનિકો દ્વારા કરાઈ રહ્યો છે,
પરંતુ, કોઈ કારણોસર છેલ્લા પંદર વર્ષથી સ્થાનિક ગ્રામજનોને ફક્ત હૈયાધારણાઓ સિવાય કંઈજ મળ્યું નથી,જેના કારણે હવે ગ્રામજનો કંટાળ્યા છે અને આજથી ડેમની અંદરજ ધરણાની શરૂઆત કરી દીધી છે,ગામના લોકો છેલ્લા પંદર વર્ષથી અનેકસ્તરે રજૂઆત કરી ચૂક્યા છે,પરંતુ તેઓની સમસ્યાનો કોઈ ઉકેલ આવવાનું નામ જ નથી લેતો,.જેના કારણે જે હેતુથી ડેમનું નિર્માણ કરાયું હતું તે હેતુ સાર્થક થતો નથી.ખેડૂતો દ્રારા આ ડેમનું કામ તાત્કાલીક પૂર્ણ કરવાની માંગ કરવામા આવી છે…
આ માંગને બુલંદ કરવા માટે આજથી ખેડૂતોએ જે ડેમનું કામ અધૂરું છે ત્યાં જ ધરણા શરૂ કર્યા છે,સ્થાનિક ખેડૂતોના ટેકામાં જિલ્લાના ખેડૂત આગેવાનો પણ આવ્યા છે પણ મત માંગવા નીકળી પડતી નેતાગીરી જાદુઈ રીતે કેમ ગુમ થઇ ગઈ છે,તે સવાલ પણ ઉઠવો સ્વાભાવિક છે.ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર આગામી વર્ષ સુધીમાં આ યોજનાનું કામ પૂર્ણ નહીં કરે તો ખેડૂતો પોતાના સ્વખર્ચે આ ડેમનું જે બાકી કામ છે તે પૂર્ણ કરશે.