Mysamachar.in-અમદાવાદ
લોકડાઉનના કપરા સમયમાં કેટલાય લોકોના રૂટીન કામકાજ પડી ભાંગ્ય છે, અને કેટલાય તેનાથી હતાશ થઈને મોતને વહાલું કરી રહ્યા છે, તો કોઈ કઈક કમાઈ લેવાશે તેવી લાલચમાં છે તે પણ ગુમાવી રહ્યા છે, આવો જ એક કિસ્સો અમદાવાદની મહિલા સાથે છેતરપીંડીનો બન્યો છે, જે અન્યોની પણ આંખ ઉઘાડનારો છે, તાજેતરમાં જુલાઈ માસમાં આ મહિલા ઘરે હાજર હતા ત્યારે તેમની પાસે કોઇ કામધંધો ન હોવાથી તેમને કાજુ બદામનો ધંધો કરવાનું વિચાર્યું…
જેથી તેઓએ તેમના ફેસબુકમાં માર્કેટ પ્લેસમાં જોતા એક આઇડી મળી આવ્યું હતું. જે આઈડી ઉપર સર્ચ કરતા તેમાં ડ્રાયફ્રૂટની જાહેરાત મૂકવામાં આવી હતી. આ જાહેરખબરમાં ડ્રાયફ્રૂટનો ભાવ બજાર ભાવ કરતા સસ્તો હોવાથી તેઓએ પૂછપરછ કરી હતી. બાદમાં સામેવાળા વ્યક્તિએ ફેસબુક મેસેન્જરમાં મોબાઈલ નંબરની આપ લે કરી હતી. સામેની વ્યક્તિએ ગુજરાતીમાં વાત કરીને પોતે મુન્દ્રા પોર્ટ ઉપરથી રાજુભાઈ બોલતા હોવાનું જણાવ્યું હતું.
જે બાદ અમદાવાદ શહેરમાં ઘોડાસર નજીક વસવાટ કરતા ફરિયાદી નમ્રતાબેને જ્યારે પૂછ્યું કે તેઓ ડ્રાયફ્રૂટ આટલા સસ્તા ભાવે કેવી રીતે આપે છે ત્યારે રાજુભાઈ નામના શખ્સે જણાવ્યું હતું કે, પોર્ટ પર કસ્ટમના સાહેબ જોડે તેની સાંઠગાંઠ હોય છે. આ કારણે આ બધી વસ્તુઓ સસ્તા ભાવે વેચે છે. બાદમાં આ શખ્સે નમ્રતાબેનના વોટ્સએપ નંબર ઉપર ડ્રાયફ્રૂટના ફોટા મોકલ્યા હતા. જેથી નમ્રતાબેન વિશ્વાસ આવી ગયા હતા અને ડિલિવરી અને પેમેન્ટ બાબતે ઇન્કવાયરી કરી હતી. જેથી રાજુ નામના શખ્સે ટ્રાન્સપોર્ટ મારફતે અમદાવાદ ડિલિવરી મળી જશે તેમ જણાવ્યું હતું. જે બાદમાં નમ્રતાબેને 50 કિલો કાજુ અને 10 કિલો બદામનો ઓર્ડર આપ્યો હતો. જેનો ભાવ રાજુ નામના શખ્શે 30,000 રૂપિયા આપ્યો હતો.
ઓર્ડરની કિંમતની અડધી રકમ હાલ અને અડધી કિંમત ઓર્ડર મળી ગયા બાદ આપવાનું કહ્યું હતું. આ રકમ ઓનલાઇન ચૂકવી દેવાનું જણાવ્યું હતું. આ રીતે રાજુ નામના શખ્સે પહેલા છ હજાર રૂપિયા મેળવી લીધા હતા. બાદમાં થોડા દિવસ બાદ નમ્રતાબેનના ફોન ઉપર મેસેજ આવ્યો હતો કે ડ્રાઈવર દીપક સામાનની ગાડી લઈને નીકળી ગયો છે. બીજા દિવસે અમદાવાદ પહોંચશે. આ તમામ બાબતોને લઈને નમ્રતાબેન ઓનલાઇન 12,850 રૂપિયા ચૂકવી દીધા હતા. જે બાદમાં માલ ન મળતા કપરા સમયમાં નવરા બેઠેલા અને કઈક ધંધો કરવાનું વિચારી રહેલા મહિલાને છેતરાયા હોવાનો અહેસાસ થતા તેવોએ આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપતા હવે આ મામલે આગળ તપાસ ધપી રહી છે.